Site icon Revoi.in

અસમમાં સુરક્ષા દળોને મોટી સફળતા: વિસ્ફોટકો અને ઘાતક હથિયારો સાથે ULFA(I) ના 2 ઉગ્રવાદી ઝડપાયા

Social Share

નવી દિલ્હી, 27 જૂન 2026: અસમના તિનસુખિયા જિલ્લામાં પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આતંકવાદી હુમલાના એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. ગુપ્ત માહિતીના આધારે ચલાવવામાં આવેલા એક વિશેષ સર્ચ ઓપરેશન દરમિયાન જગુન વિસ્તારમાંથી પ્રતિબંધિત સંગઠન ‘યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ-ઇન્ડિપેન્ડન્ટ’ના 2 સક્રિય આતંકીઓને હથિયારો અને વિસ્ફોટકોના જંગી જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા ઉગ્રવાદીઓની ઓળખ સિયોર અસોમ ઉર્ફે હુમેનજ્યોતિ બરુઆ (ઉંમર 27 વર્ષ, રહેવાસી: પાનીટોલા) અને મનોજ અસોમ ઉર્ફે પાપુ મોરન (ઉંમર 30 વર્ષ, રહેવાસી: બાઘજાન) તરીકે થઈ છે. આ બંને લાંબા સમયથી સંગઠનમાં સક્રિય હોવાનું બહાર આવ્યું છે.

પ્રાથમિક તપાસમાં અતિ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઉલ્ફા (આઈ) સંગઠન દ્વારા આ બંને ઉગ્રવાદીઓને તિનસુખિયા શહેરમાં ભારે તબાહી મચાવવાની કાવતરા પૂર્વક જવાબદારી સોંપવામાં આવી હતી. તેમનો મુખ્ય હેતુ શહેરના ભીડભાડવાળા અને વ્યસ્ત વિસ્તારોમાં નિર્દોષ નાગરિકો પર અંધાધૂંધ હુમલો કરી મોટું નુકસાન પહોંચાડવાનો અને લોકોમાં દહેશતનો માહોલ ઊભો કરવાનો હતો. તપાસ એજન્સીઓ હાલ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ કાવતરા પાછળ સમગ્ર વિસ્તારને અસ્થિર કરવા માટે કોઈ બાહ્ય કે વિદેશી તાકાતોનો હાથ છે કે નહીં.

સુરક્ષા દળોએ પકડાયેલા બંને ઉગ્રવાદીઓ પાસેથી સેના જેવા ઘાતક હથિયારો અને જંગલમાં લાંબો સમય ટકી રહેવા માટેની સામગ્રી જપ્ત કરી છે, જે દર્શાવે છે કે તેઓ કોઈ મોટા મિશન પર હતા. આરોપીઓ પાસેથી બે એકે-56 રાઈફલ, બે હેન્ડગ્રેનેડ અને 172 જીવતા કારતુસ, દવાઓ, ઈંજેક્શન, નશીલા કેફી દ્રવ્યો, જંગલમાં લાંબો સમય રહેવા માટે ખાદ્ય સામગ્રી, બેકપેક (પિઠ પાછળ ભેરવવાનો થેલો) અને યુદ્ધ સંબંધિત સામગ્રી જપ્ત કરાઈ હતી. ઉચ્ચ સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો આ આતંકીઓ પોતાના મિશનમાં સફળ રહ્યા હોત તો ઉપરી અસમમાં ભારે જાનહાનિ થઈ શકી હોત. એજન્સીઓની સતર્કતાને કારણે સેંકડો નિર્દોષ લોકોના જીવ બચાવી શકાયા છે.

આ ઓપરેશન બાદ સુરક્ષા એજન્સીઓએ તિનસુખિયા અને તેની આસપાસના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સખત કરી દીધી છે અને પેટ્રોલિંગ વધારી દીધું છે. પકડાયેલા આતંકીઓની હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે, જેથી તેમના સ્થાનિક સપોર્ટર્સ (મદદગારો), સ્લીપર સેલ અને અન્ય સંભવિત આશ્રયસ્થાનોનો પતો લગાવી શકાય. અધિકારીઓએ જણાવ્યું છે કે પૂછપરછ પૂર્ણ થયા બાદ આ સમગ્ર આતંકી નેટવર્ક અંગેની વિગતવાર માહિતી મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાની દિશામાં સુરક્ષા એજન્સીઓ આ ઓપરેશનને એક મોટી સફળતા માની રહી છે.

Exit mobile version