Site icon Revoi.in

બેંગલુરૂથી આવી રહેલી ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર બર્ડહિટઃ પેસેન્જરો ગભરાઈ ગયા

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરના રન-વે પર બર્ડહિટનો બનાવ ન બને તે માટે ફ્લાઈટ્સના લેન્ડિંગ સમયે ભારે તકેદારી રાખવામાં આવતી હોય છે. દેશના અન્ય એરપોર્ટ કરતા અમદાવાદના એરપોર્ટ પર પક્ષીઓ સૌથી વધુ ઊડાઊડ કરતા જોવા મળે છે. ચોમાસુ શરૂ થાય તે પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર બર્ડહિટની પહેલી ઘટના શુક્રવારે નોંધાઈ હતી. બેંગલુરુથી અમદાવાદ આવતી ગોએરની ફ્લાઈટ જી8 801 સાથે લેન્ડિંગ સમયે બર્ડહિટની ઘટના બની હતી. પાઇલોટે તત્કાલ એટીસીને જાણ કરી ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવતા 150 જેટલા પેસેન્જરોએ હાશકારો અનુભવ્યો હતો. બીજી બાજુ આ ઘટના દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર અન્ય ફ્લાઈટોનું સંચાલન યથાવત રહ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ ગોએરની ફ્લાઈટ જી8 801 બેંગલુરુથી સવારે 5.50 વાગે 150 જેટલા પેસેન્જરો સાથે રવાના થઈ હતી. આ ફ્લાઈટ સવારે લગભગ 7.50 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. ફ્લાઈટ લેન્ડ થઈ રહી હતી ત્યારે અચાનક ધડાકા સાથે અવાજ સંભળાતા ફ્લાઈટ સાથે બર્ડહિટ થયું હોવાની માહિતી પાયલોટે પેસેન્જરોને આપી હતી. તેની સાથે જ આ ઘટના વિશે એટીસી અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. બીજી બાજુ એરપોર્ટ પર ચક્કર માર્યા બાદ એટીસીની મંજૂરી મળતા પાયલોટે ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. ફ્લાઈટ લેન્ડ થયા બાદ એરલાઈન્સના એન્જિનિયરોએ સંપૂર્ણ એરક્રાફ્ટનું નિરીક્ષણ કર્યું હતું. જો એન્જિનને વધુ નુકસાન ન થયું હોવાનું જણાતા તેમણે ફ્લાઈટ ઓપરેશનની મંજૂરી આપી હતી. જેના પગલે અમદાવાદથી લગભગ 1 કલાક વિલંબથી સવારે 8.45 વાગે જી8 720 ફ્લાઈટ 100થી વધુ પેસેન્જરો સાથે અમદાવાદથી દિલ્હી માટે રવાના થયું હતું. આ સમય દરમિયાન દિલ્હી જતી વખતે ફ્લાઈટમાં સમસ્યા જણાતા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા બાદ એરક્રાફ્ટને ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવ્યું હતું.