Site icon Revoi.in

દેશના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાજપે ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રોપદી મુર્મુની પસંદગી કરી

Social Share

નવી દિલ્હીઃ દેશના આગામી રાષ્ટ્રપતિ પદ માટે  ભાજપ-NDAએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રોપદી મુર્મુના નામ પર પસંદગી કરી છે. મંગળવારે સાજે જ ભાજપની સંસદીય બોર્ડની મીટિંગ પછી તેમના નામ પર મંજુરીની મહોર મારવામાં આવી હતી. આ મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓ હાજર હતા. મુર્મુ પોતાનું ઉમેદવારી પત્રક 25 જૂને દાખલ કરી શકે છે. જ્યારે વિપક્ષે જ્યાં યશવંત સિન્હાને ઉમેદવાર જાહેર કર્યા છે.

દેશના રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ભાજપ-એનડીએ દ્વારા દ્રોપદી મુર્મુના નામની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીના ઉમેદવાર નક્કી કરવા માટે ભાજપની ઉચ્ચસ્તરિય બેઠક મળી હતી. આ બેઠક બાદ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે બેઠકમાં  20 જેટલા નામો પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નક્કી કરાયું હતું કે આ વખતે રાષ્ટ્રપતિના કેન્ડિડેટ માટે પૂર્વ ભારતથી કોઈ દલિત મહિલાની પસંદગી થવી જોઈએ. ત્યાર બાદ મુર્મુના નામને મંજૂરી આપવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ઝારખંડના 9માં રાજ્યપાલપદે રહેલા 64 વર્ષના દ્રોપદી મુર્મુ ઓડિશાના મયૂરગંજના રહેવાસી છે. તેઓ ઓડિશાના જ રાયરંગપુરથી ધારાસભ્ય રહી ચૂક્યાં છે. તેઓ પહેલાં ઓડિયા નેતા છે જેમને રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. આ પહેલાં ભાજપ-બીજેડી ગઠબંધન સરકારમાં વર્ષ 2002થી 2004 સુધી તેઓ મંત્રી પણ રહ્યાં હતા. મુર્મુ ઝારખંડના પહેલાં આદિવાસી મહિલા રાજ્યપાલ પણ રહ્યાં છે. બીજીબાજુ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તૃણુમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા યશવંત સિન્હાને વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં યશવંતસિંહાએ  સંકેત આપ્યો હતો કે તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં સામેલ થવા માટે તૈયાર છે. નવી દિલ્હીમાં વિપક્ષની બેઠકમાં NCP શરદ પવારે કહ્યું કે અમે 27 જૂન સવારે 11:30 વાગ્યે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરીશું. 15 જૂને નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે. ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 29 જૂન છે. જો ચૂંટણી કરાવવાની જરૂર પડશે તો તે 18 જુલાઈનાં રોજ કરાવવામાં આવશે અને જુલાઈમાં જ પરિણામ પણ આવી જશે.