Site icon Revoi.in

ગુજરાતમાં ભાજપે 27 વર્ષમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્‍ટાચાર વધારવાનું કામ કર્યુ છેઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા સત્રના છેલ્લા દિવસે કોંગ્રેસે કેટલાક પ્રશ્નોની આક્રમક રજુઆત કરીને ભાજપ સરકારને ભીંસમાં લેવાના પ્રયાસો કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલે વિધાનસભામાં છેલ્લા દિવસના પ્રસ્‍તાવની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્‍યું હતું કે, ‘બહુત હુઈ મહેંગાઈ કી માર’ જેવા નારાથી સત્તારૂઢ થયેલી ભાજપ સરકારના રાજમાં મોંઘવારી અતિશય વધી છે. ભાજપ સરકારે 27 વર્ષોમાં માત્ર મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્‍ટાચારનું કમળ ખીલવવાનું કામ કર્યું છે. ભાજપ સરકારે અનાજ, દાળ, લોટ, ચોખા, દહીં, પનીર, મધ જેવી જીવન જરૂરિયાતની અને રોજબરોજની આવશ્‍યક ચીજવસ્‍તુઓ પર આકરો જીએસટી ઝીંક્‍યો છે, જેનાથી પ્રજા મુશ્‍કેલીમાં મુકાઈ ગઈ છે. ભાજપ સરકાર મોંઘવારીને કાબુમાં લેવાના બદલે પ્રજા પર ટેક્‍સનો બોજ લાદીને તિજોરી ભરવામાં વ્‍યસ્‍ત છે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આજે પેટ્રોલ હોય, ડીઝલ હોય, સીએનજી હોય, પીએનજી હોય, રાસાયણિક ખાતર હોય, બિયારણ હોય, દવાઓ હોય, ખાદ્યસામગ્રી હોય, જીવન જરૂરિયાતની અન્‍ય ચીજવસ્‍તુઓ હોય, એકપણ એવી વસ્‍તુ બચી નથી કે જેના પર ભાજપ સરકારે મોંઘવારીનો પ્રહાર ન કર્યો હોય. દૂધ, દહીં, પનીર, છાશ, લોટ જેવી જીવનજરૂરી ખાદ્યસામગ્રી પર પણ જીએસટી ઠોકી બેસાડીને મોંઘવારીની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.  કેન્‍દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્‍યારે ખાદ્યતેલનો ડબ્‍બો જે રૂ. 1370માં મળતો હતો તે આજે રૂ. 3000ની રેકોર્ડ સપાટીએ પહોંચાડી દીધો છે. ગેસ સિલિન્‍ડરમાંથી સબસીડી ગાયબ કરીને
રૂ. 410માં મળતો સિલિન્‍ડર આજે રૂ. 1060 પર પહોંચાડી દીધો છે. કઠોળના ભાવ પ્રતિ કિલો રૂ. 60થી 80 રહેતા હતા, જે આજે રૂ. 140થી  180 ની વિક્રમ સપાટીએ પહોંચાડી દીધા છે. પેટ્રોલ પ્રતિ લિટર રૂ. 64ના ભાવે મળતું હતું, જે આજે રૂ. 96 પ્રતિ લિટર મળે છે. કોંગ્રેસના શાસનમાં સીએનજી રૂ. 42 પ્રતિ કિલો મળતો હતો, જે આજે ડબલ એટલે કે રૂ. 84 પ્રતિ કિલોએ પહોંચાડી દીધો છે. ભાજપ સરકારના રાજમાં સિમેન્‍ટ, રેતી, સ્‍ટીલ વગેરેમાં પણ અતિશય ભાવવધારો થયો છે, જેના કારણે ‘ઘરના ઘર’નું સપનું જોતા નાગરિકોના સપના ચકનાચુર થઈ ગયા છે. ભાજપ સરકાર પ્રજાના હિત માટે છે કે પ્રજાના ભોગે છે, તે સમજી શકાતું નથી. ભાજપ સરકારે પ્રજાને મોંઘવારીના ખપ્‍પરમાં હોમી દીધી છે. મોંઘવારીને તાત્‍કાલિક કાબુમાં લઈ રાજ્‍યની પ્રજાને મોંઘવારીની ચુંગાલમાંથી છોડાવવા ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલે સરકાર સમક્ષ અપીલ કરી હતી.