Site icon Revoi.in

કોરોનાની રસી ઉપર સૌથી પહેલો અધિકાર પ્રજાનો, ભાજપના નેતાઓ પ્રથમ તબક્કામાં નહીં લે રસીઃ નીતિન પટેલ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની રસીનો પ્રથમ જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો હતો. તેમજ આગામી તા. 16મી જાન્યાઆરીથી સમગ્ર રાજ્યમાં રસીકરણનો આરંભ કરવામાં આવશે. ત્યારે પ્રથમ તબક્કામાં ભાજપના એક પણ ધારાસભ્ય, સાંસદ સભ્ય, મંત્રીઓ કોરોનાની રસી નહીં લે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ અને જરૂરિયાતવાળી વ્યક્તિઓને રસી આપવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ દેશની જનતાને કોરોનાની રસી મળી રહે તે માટે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને વિનંતી કરી છે. ત્યારે ભાજપ દ્વારા સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો છે કે, આગામી તા. 16મી જાન્યુઆરીથી કોરોના રસીના રસીકરણનો પ્રારંભ થવાનો ત્યારે કોઈ રાજકીય નેતાઓ રસી નહીં લે. ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદ અને સરકારના મંત્રીઓ રસી નહીં લે. પહેલા કોરોનાની રસી ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને જરૂરિયાતવાળા લોકોને આપવામાં આવશે. પ્રજાની સલામતી રાજકીય નેતાઓની જવાબદારી છે. જેને ભાજપ નિભાવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 20 હજાર વેક્સિનેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યાં છે. તેમજ પ્રથમ તબક્કામાં 4.33 લાખ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે. તા. 16મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી દેશભરના તમામ આરોગ્ય કર્મચારીઓ સાથે સંવાદ કરશે. અમદાવાદ અને રાજકોટ સિવિલના કર્મચારીઓ સાથે પણ વડાપ્રધાન સંવાદ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના રસીનો પ્રથમ જથ્થો આજે હવાઈ માર્ગે અમદાવાદ આવી પહોંચ્યો હતો. તેમજ આવતીકાલે રાજકોટ, સુરત અને વડોદરામાં કોરોના રસીનો જથ્થો પહોંચશે. અમદાવાદ એરપોર્ટ ઉપર કોરોનાની રસીનો પ્રથમ જથ્થો આવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના રાજકીય આગેવાનોએ તેને આવકાર્યો હતો.