Site icon Revoi.in

ભાજપે ચૂંટણીના પરિણામો પહેલા જ વિજ્યોત્સવ તૈયારીઓ શરૂ કરી, ઢોલી-બેન્ડવાજા બુક કર્યા,

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવતી કાલ તા. 8મી ડિસેમ્બરને ગુરૂવારે જાહેર થશે. હાલ એક્ઝિટ પોલના અનુમાન મુજબ ભાજપ બહુમતી મેળવશે. ત્યારે ભાજપ દ્વારા વિજ્યોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપના ઉમેદવારોએ તો ઢોલી અને બેન્ડવાજાવાળાને બુક કરી દીધા છે. અને વિજ્ય સરઘસોમાં મોટી સંખ્યામાં સમર્થકોને એકઠા કરવાનું આગોતરૂ આયોજન કર્યું છે. ઉપરાંત ગુલાબના હારના ઓર્ડર આપી દીધા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે તમામ એક્ઝિટ પોલ સકારાત્મક વલણો દર્શાવી રહ્યા છે. ભાજપના નેતાઓને પણ બહુમતી મળવાનો પૂર્ણ વિશ્વાસ છે. ત્યારે પરિણામ આવે તે પહેલાં જ ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’માં જીતની ઊજવણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  આવતી કાલે 8મી ડિસેમ્બરે પરિણામોની રાહ જોવાઈ રહી છે. મોટાભાગની બેઠકો પર ભાજપ પ્રથમ રાઉન્ડથી સરસાઈ મેળવતો રહેશે એવું પ્રદેશના નેતાઓ કહી રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ભાજપની જીતનું મુખ્ય કેન્દ્ર કમલમ હશે. જેમાં આતશબાજી, લોકનૃત્ય તેમજ ઢોલ નગારા સાથેનો કાર્યક્રમ ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી બાજુ મીઠાઈઓનો પણ મોટાપાયે ઓર્ડર આપવામાં આવી રહ્યો છે. આમાં ખાસ વાત તો એ છે કે લોક કલાકાર ગ્રૂપને પણ બોલાવવામાં આવી રહ્યા છે. ભાજપ પ્રચંડ જીતના માર્ગે છે જે અન્ય કોઈ પણ પક્ષ કરતા અત્યાર સુધીની સૌથી વધુ બેઠકો મેળવવાની આશા છે.  ગુજરાતના લોકો વિકાસ અને રાષ્ટ્રવાદને સમર્થન આપે છે. જોકે આ વખતે ભાજપના વોટશેરમાં મોટો તફાવત હશે. ભાજપની ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સરકાર છે, ત્યારે આ પરિણામો ભાજપ માટે ઘણા મહત્વના બની રહેશે.

પ્રદેશ ભાજપના એક સિનિયર નેતાના કહેવા મુજબ ગુજરાત વિધાનસભાના પરિણામોને આધારે 2024 લોકસભાની તૈયારીઓ પણ ભાજપે અત્યારથી જ આરંભી દીધી છે. પરિણામના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા બધા કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ આવી શકે છે. (file photo)