Site icon Revoi.in

ભાજપની વિદ્યાર્થી પાંખ ABVPએ મતદાન જાગૃતિ માટે રથયાત્રાનું કર્યું આયોજન

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતાદાન થાય તે માટે મતદારોને જાગૃત કરવાના ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં તા.1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બરના રોજ યોજાવાની છે. આ બન્ને તારીખોમાં લગ્નગાળાની ભરપુર સીઝન હોવાથી મતદાન પર કદાચ તેની અસર પડી શકે તેમ છે. દરમિયાન ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા મતદાન જાગૃતિ માટે રથયાત્રાનું આયોજન કરાયુ છે. એબીવીપીના વિદ્યાર્થી નેતાઓ કોલેજોમાં જઈને યુવા મતદારોનો સંપર્ક કરીને મતદાન માટે જાગૃત કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ વખત મતદાન કરતા કોલેજના વિદ્યાર્થીઓ મતદાનની જાગૃત્તતા આવે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રથયાત્રાનું આયોજન કરાયું છે. રથયાત્રા ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકોમાં આવેલી સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, પોલીટેકનિક, એન્જિનિયર, મેડિકલ, ફિઝોયોથેરાપી, નર્સિંગ, ડેન્ટલ, હોમિયોપેથી, આર્યુવેદિક સહિતની કોલેજોમાં રથયાત્રા જઇને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃતિ માટે જાણકારી આપવામાં આવી રહી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિધાનસભાની ચુંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મતદાન જાગૃતિ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં આવેલી તમામ કોલેજોમાં ભ્રમણ કરવામાં આવી રહ્યું છે. કોલેજોમાં વિદ્યાર્થીઓને મતદાન કરવાથી શું શું ફાયદો થશે. ઉપરાંત મતદાન કેમ કરવું જોઇએ તેની જાણકારી આપવામાં આવી રહી છે. વધુમાં પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોને દરેક ચૂંટણીમાં મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવશે. વિદ્યાર્થીઓને તમે તો ફરજિયાત મતદાન કરજો. ઉપરાંત તમારા રહેણાક વિસ્તારના આસપાસના લોકોને મતદાન કરવાની જાણકારી આપીને તેઓને પણ મતદાન કરવા પ્રેરણા આપવા અપિલ કરવામાં આવી હતી..

એબીવીપીના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોલેજના વિદ્યાર્થીઓને મતદાનની સાથે સાથે ચૂંટણીને લઇને આદર્શ આચારસંહિતા વિશે પણ જાણકારી આપવામાં આવશે. ચૂંટણી એ લોકશાહીનો એક ભાગ હોવાથી લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન એકમાત્ર ઉપાય હોવાનું વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી.