નવી દિલ્હીઃ છત્તીસગઢના બેમેટારા જિલ્લામાં બરલાની ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયાનું જાણવા મળે છે. બીજી તરફ હજુ મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. વહીવટી ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, બેમેટારા જિલ્લાના બેરલા બ્લોક હેઠળના બોરસી ગામમાં સ્થિત ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટના આજે સવારે બની હતી. ગનપાઉડર ફેક્ટરીમાં બ્લાસ્ટનો અવાજ કેટલાય કિલોમીટર સુધી સંભળાયો હતો. જેના કારણે આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા. બ્લાસ્ટ બાદ વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો હતો. બીજી તરફ ઘટનાના ત્રણ કલાક બાદ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોમાંથી સાતને રાયપુરની મેકહારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે. ઈજાગ્રસ્તોને રાયપુરની વિવિધ ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે.
સ્થાનિકોના જણાવ્યું હતું કે, જે જગ્યાએ બ્લાસ્ટ થયો હતો ત્યાં 15 થી 20 લોકો કામ કરે છે. કંપનીમાં ગનપાઉડરનું ઉત્પાદન થતું હતું. બ્લાસ્ટ બાદ કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. ફેક્ટરીનો કાટમાળ દૂર સુધી પડ્યો હતો. કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.