Site icon Revoi.in

પ્રયાગરાજ કુંભ: સંગમમાં મોટી દુર્ઘટના ટળી

Social Share

પ્રયાગરાજમાં કુંભમેળા દરમિયાન મોટી દુર્ઘટના થતા-થતાં રહી ગઈ. શનિવારે સવારે સંગમમાં શ્રદ્ધાળુઓ ભરેલી એક હોડી પલટી ગઈ હતી. આ હોડીમાં નવ શ્રદ્ધાળુઓ સવાર હતા. જેવી આ દુર્ઘટના થઈ કે તરત એનડીઆરએફ અને મરજીવાઓની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી.

કુંભમેળા દરમિયાન એક તરફ જ્યાં રામમંદિર મામલે સાધુ-સંતો મન કી બાત કરી રહ્યા છે અને તેના પહેલા રામમંદિરને લઈને બે ધર્મસંસદો થઈ ચુકી છે. ત્યારે પ્રયાગરાજમાં આ દુર્ઘટના થઈ છે. જો કે આ વર્ષે કુંભ માટે મોટા પ્રમાણમાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

એનડીઆરએફના અધિકારીઓનું કહેવું છે કે ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાળુઓ ભરેલી એક હોડી અચાનક પલટી ગઈ હતી. આ હોડીમાં નવ લોકો સવાર હતા. દુર્ઘટના બાદ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામ નવ લોકોને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

યોગી આદિત્યનાથની સરકારે દાવો કર્યો છે કે આ વખતે ભવ્ય રીતે કુંભનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે મોટી રકમ પણ સરકારે ખર્ચ કરી છે. તેની સાથે જ સુરક્ષા વ્યવસ્થાનો પણ ખાસો ખ્યાલ રાખવામાં આવ્યો છે. જો કે કુંભની શરૂઆતથી જાન્યુઆરી માસમાં જ કુંભમેળામાં આગ લાગવાની ત્રણ ઘટનાઓ બની ચુકી છે. આગ લાગવાની ત્રણ ઘટનાઓમાં કાસ નુકસાન તો થયું ન હતું, પરંતુ વ્યવસ્થા પર જરૂરથી સવાલો ઉઠયા હતા.

આગ લાગવાની પહેલી ઘટના 1મી જાન્યુઆરીએ દિગંબર અખાડાની શિબિરોમાં થઈ હતી. અહીં મેળા પરિસરના ઘણાં પંડાલો બળીને ખાખ થઈ ગયા હતા. 14મી જાન્યુઆરીએ સિલિન્ડર ફાટવાને કારણે આગ લાગી હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સાધુ-સંતોના સામાન અને રૂપિયા ખાખ થયા હતા.

બાદમાં 16મી જાન્યુઆરીએ સ્વામી વાસુદેવાનંદની શિબિરમાં આગ લાગી હતી. શિબિરમાં તે સમયે ભંડારો ચાલી રહ્યો હતો. આગ લાગવાને કારણે ભંડારાનો ટેન્ટ બળીને ખાખ થઈ ગયો હતો.

તેના ત્રણ દિવસ બાદ 19 જાન્યુઆરીએ કુંભમેળાના સેક્ટર-13માં સભાના પંડાલમાં અચાનક આગ લાગી ગઈ હતી. ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓએ આગ બુઝાવી હતી. આ દુર્ઘટના શોર્ટસર્કિટને કારણે થઈ હતી.

આગચંપીની આ ઘટનાઓ બાદ શનિવારે હોડી પલટવાની દુર્ઘટના સામે આવી હતી. જો કે રાહત-બચાવ કામગીરી કરનારી ટુકડીઓની સતર્કતાને કારણે દુર્ઘટનામાં જાનહાનિ થતી અટકાવી શકાઈ છે.