Site icon Revoi.in

બોડેલી: પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલી મહિલા અને બાળક માટે PSI બન્યા દેવદુત

Social Share

અમદાવાદઃ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી વિસ્તારમાં એક જ દિવસમાં ૨૨ ઇંચ વરસાદ થતા નદી નાળા છલકાઇ જવાના કારણે બોડેલી નગર સહિતના વિસ્તારમાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. બોડેલી નગરમાં પાણી ફરી વળતા લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો. પરંતુ એ જ અરસામાં છોટાઉદેપુર જિલ્લા પોલીસના બોડેલી ખાતે ફરજ બજાવતા જાંબાઝ પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.સરવૈયાએ સમયસૂચકતા વાપરી કેડસમા ધસમસતા પાણીના પ્રવાહની પરવા કર્યા વગર પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની માવનતાભરી કામગીરી શરૂ કરી હતી.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મુખ્યમથક બોડેલીમાં એક જ દિવસમાં ૨૨ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. બોડેલી નગરના નિચાણવાળા વિસ્તારમાં દિવાન ફળીયા, રઝાનગર અને વર્ધમાનનગર જેવા વિસ્તારમાં કેડસમા પાણી ભરાઇ જવા પામ્યા હતા. ભારે વરસાદને ઠેર ઠેર ભરાયેલા પાણીને કારણે લોકોની હાલત દયનીય થઇ ગઇ હતી.

બોડેલી નગરમાં સર્જાયેલી પુર જેવી પરિસ્થિતિ ઉદ્દભવતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જાંબાઝ પોલીસ ઇન્સ્પેકરટ એ.એસ.સરવૈયા, તેમની ટીમ અને સ્થાનિક તરવૈયા સાથે પાણીના ધસમસતા પ્રવાહમાં ઉતરી પોતાના જીવની પરવા કર્યા વગર ફસાયેલા લોકોને બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરીમાં જોતરાઇ ગયા હતા.

પી.એસ.આઇ સરવૈયાએ બોડેલીના દિવાનનગર ફળિયા બાજુમાં આવેલા વર્ધમાન નગરમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકો માટે દેવદુત બનીને આવ્યા હતા. તેમણે કેડસમા પાણીમાં પોતાના જીવની બાજી લગાવી લઇ લોકોને પોતાના ખભે બેસાડીને બહાર કાઢયા હતા.

પી.એસ.આઇ સરવૈયાએ વર્ધમાન નગરમાં બચાવ કામગીરી કરી રહ્યા હતા તે સમયે તેમણે એક બાળકને ઉંચકીને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢ્યું હતું તેમજ એક મહિલાને પોતાના ખભે બેસાડી સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. આ સિવાય પણ તેમણે અને તેમની ટીમે ઘણા લોકોની જરૂરી મદદ કરી બહાર કાઢીને સલામત જગ્યાએ ખસેડયા હતા.