Site icon Revoi.in

ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી: 7 રાજ્યોમાં કોલ્ડ ડે અને શીતલહેરનું એલર્ટ

cold condition
Social Share

નવી દિલ્હી, 3 જાન્યુઆરી 2026: ઉત્તર ભારતમાં હાલ કડકડતી ઠંડીનો કહેર યથાવત છે. પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલી હિમવર્ષા અને વરસાદને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારતીય હવામાન વિભાગએ આગામી 4-5 દિવસ સુધી ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં અત્યંત ગાઢ ધુમ્મસ, શીતલહેર અને ‘કોલ્ડ ડે’ની ગંભીર ચેતવણી જારી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં આગામી 4 થી 5 દિવસ સુધી સવારના સમયે ભીષણ ધુમ્મસ છવાયેલું રહેશે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને યુપી સહિતના રાજ્યોમાં આગામી એક સપ્તાહ સુધી શીતલહેરનો પ્રકોપ જોવા મળશે.

રાજધાનીમાં નવા વર્ષની શરૂઆતથી જ ઠંડીએ માઝા મૂકી છે. યુપીમાં 6 થી 9 જાન્યુઆરી દરમિયાન શીતલહેરની પ્રબળ શક્યતા છે. આજે શનિવારથી જ રાજ્યમાં ઠંડીમાં વધારો નોંધાયો છે. બિહારમાં પણ 4 અને 5 જાન્યુઆરીએ ‘કોલ્ડ ડે’ જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં ગાઢ ધુમ્મસને કારણે વાહનવ્યવહાર પર અસર પડી શકે છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. તાબોમાં તાપમાન ગગડીને -6.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

કુલ્લુ-મનાલીના ઉપરના વિસ્તારોમાં રસ્તાઓ પર ‘બ્લેક આઈસ’ (બરફનું પાતળું પડ) જામવાનું શરૂ થતા લપસણી વધી છે. સુરક્ષાના કારણોસર વહીવટીતંત્રે રોહતાંગ પાસ વાહનોની અવરજવર માટે બંધ કરી દીધો છે અને પ્રવાસીઓને ગુલાબા ખાતે જ રોકી દેવામાં આવ્યા છે. હવામાન વૈજ્ઞાનિક સંદીપ શર્માના જણાવ્યા મુજબ, હિમાચલમાં 8 જાન્યુઆરી સુધી હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે, પરંતુ 6 જાન્યુઆરીએ ઊંચા પહાડો પર હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી: મતદાન પહેલા જ મહાયુતિનો ડંકો

Exit mobile version