Site icon Revoi.in

ગુજરાતમાં 48 ડેમના તળિયા દેખાયા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 30,38 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ,

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાનો પ્રથમ ગણાતો ફાગણ મહિના હજુ પુરો થયો નથી ત્યાં ગણા ગામોમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. તાપમાનમાં વધારો થતાં જળાશયોમાં પાણીના સ્તરમાં ધરખમ ઘટાડો થયો છે. ગુજરાતના 48 જળાશયોમાં હવે 10 ટકાથી ઓછું પાણી બચ્યું છે. 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 54 ટકા બચ્યું છે. સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક થયા છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 30.38 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, ત્યારે રાજ્યમાં એક માત્ર સરદાર સરોવર નર્મદા ડેમ પર જ આધાર રાખવો પડશે.

રાજ્યના સિંચાઈ વિભાગના સૂત્રોના કહેવા મુજબ  ગુજરાતમાં 207 જળાશયોમાં 54 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં કચ્છના 20 જળાશયોમાં 36.95 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 38.49 ટકા,  મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 60.97 ટકા, અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 60.53 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યના જળાશયોમાં જે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એમાં  2 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. જ્યારે 6 જળાશયોમાં 80થી 90 ટકા, 7 જળાશયોમાં 70થી 80 ટકા, જ્યારે 191 જળાશયોમાં 70 ટકા ઓછું પાણી રહ્યું છે.

સૌરાષ્ટ્રના ઘણાબધા જળાશયોને સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી ભરવામાં આવે છે, રાજકોટના આજી ડેમ સહિતના જળાશયોમાં સમયાંતરે નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. એટલે જે વિસ્તારોને સૌની યોજનાનો લાભ મળ્યો છે. તેવા વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાય એવું લાગતું નથી, પરંતુ જે વિસ્તારોને નર્મદા યોજનાનો લાભ મળ્યો નથી. તે વિસ્તારોમાં પાણીની સમસ્યા વધુ વિકટ બનવાના એંધાણ છે.

 

Exit mobile version