Site icon Revoi.in

કચ્છના જળાશયોના તળિયા દેખાયા, ભૂજમાં પાણીની સમસ્યા, અનેક વિસ્તારોમાં ટેન્કરરાજ

Social Share

ભૂજઃ કચ્છમાં તાપમાનમાં વધારો થતાં જ જિલ્લાના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જો કે નર્મદાના નીરને લીધે રાહત પણ છે. પરંતુ બધા વિસ્તારોને પહોંચી વળવું મુશ્કેલ છે. સ્થાનિક લોકોની સાથે પશુધન અને ખેડૂતો માટે પણ પાણીની અછતની સમસ્યા ઊભી થઈ છે. ભુજ શહેરમાં  છેલ્લા 10 – 11 દિવસથી અનેક વિસ્તારોમાં પાણી પહોંચ્યું નથી. ત્યારે લોકો દરરોજ ટેન્કરના પાણીથી માંડ દિવસ કાઢી રહ્યા છે. પાણીની સમસ્યાને લઈ લોકોએ નગરપાલિકામાં આવેદનપત્ર આપીને રજુઆતો પણ કરી હતી.

કચ્છ સૂકો પ્રદેશ છે. એક બાજુ રણ છે, તો બીજી બાજુ દરિયો છે. અન્ય પ્રદેશો કરતા કચ્છમાં ઓછો વરસાદ પડે છે, જે બહુ જ મોટી સમસ્યા છે. દર વર્ષે ઉનાળાની ગરમીમાં લોકો  પાણીની સમસ્યાનો સામનો કરતા હોય છે. ત્યારે આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ કચ્છમાં અનેક જગ્યાએ પાણીની મુશ્કેલી ઊભી થઈ છે. ઉનાળાની શરૂઆતમાં જ કચ્છના ડેમોમાં પાણી તળિયા ઝાટક થઈ ગયા છે. ત્યારે આ ગરમીની સીઝન કેમ નીકળશે તે મોટો પ્રશ્ન છે.  સ્થાનિક લોકોની સાથે પશુધન અને ખેડૂતો માટે પણ પાણીની અછતની સમસ્યા ઊભી થઈ છે. છેલ્લા 10 – 11 દિવસથી ભુજના અનેક વિસ્તારોમાં પાણી પહોંચ્યું નથી. ત્યારે લોકો દરરોજ ટેન્કરના પાણીથી માંડ દિવસ કાઢી રહ્યા છે.

કચ્છ જિલ્લાના રુદ્રમાતા ડેમમાં 4.94 ટકા પાણી છે. બીજા સાત ડેમોમાં 25 ટકાથી ઓછું પાણી છે. કચ્છમાં કૂવા, તળાવ, વાવ આવેલા છે, પણ પાણી હોવું જોઈએ તેટલું નથી. કચ્છમાં માધ્યમ સિંચાઇના 20 જેટલા ડેમો છે, જેનો જથ્થો નહિવત્ છે. ભુજના લગભગ દરેક વિસ્તારોમાં પાણીની અછત જોવા મળી રહી છે. સંસ્કાર નગર, પ્રમુખસ્વામી નગર, ચંગ્લેશ્વર સોસાયટી, રાવલવડી એમ દરેક વિસ્તારમાં પાણી નથી.પાણીની સમસ્યાને લઈ લોકોએ નગરપાલિકામાં આવેદનપત્ર પણ આપ્યું છે અને ધરણા પર બેસવાની તૈયારી દર્શાવી છે.