અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ હાલ વિરામ લીધો છે, દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરી છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 100 ટકાથી વધારે વરસાદી વરસી ચુક્યો છે. સૌથી ઓછો પૂર્વ-મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે.
રાજ્યમાં હાલ છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેથી આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની શકયતાઓ નહીવત છે. દરમિયાન આગામી પાંચ દિવસમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વરસેલા સારા વરસાદના કારણે હજારો હેકટર જમીનમાં ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. જેથી જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ છે. રાજ્યના 64 જેટલા જળાશયો છલકાયાં છે. તેમજ 207 જળાશયોમાં 75 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ 77 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. જેથી ઉનાળાના આકરા દિવસોમાં પાણીની સમસ્યાઓ સર્જાવાની શકયતાઓ ખુબ જ ઓછી છે. તેમજ ખેડૂતોને પણ ઉનાળાના દિવસોમાં સંચાઈ માટે પુરતુ પાણી મળવાની આશા મળવાની આશા વ્યક્ત થઈ રહી છે.