લંડન, 15 જૂન 2026: બાળકોની ઓનલાઈન સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યને લઈને બ્રિટન સરકારે એક અત્યંત કડક અને મોટો નિર્ણય લીધો છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે સત્તાવાર જાહેરાત કરી છે કે, હવેથી દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરી શકે. સરકારનું કહેવું છે કે બાળકોને ઓનલાઈન દૂષણો, ગુનાઓ અને માનસિક તણાવથી બચાવવા માટે આ કાયદો લાવવો અનિવાર્ય બન્યો હતો. જોકે, વ્હોટ્સએપ જેવા મેસેજિંગ એપ્સને આ પ્રતિબંધના દાયરામાંથી મુક્ત રાખવામાં આવ્યા છે.
બ્રિટિશ અખબાર ‘ધ સન્ડે ટાઇમ્સ’ ના અહેવાલ મુજબ, બ્રિટન સરકાર માત્ર સોશિયલ મીડિયા સુધી મર્યાદિત રહેવા માંગતી નથી. નવા પ્રસ્તાવિત નિયમો હેઠળ, ગેમિંગ સેવાઓ, લાઈવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને એઆઈ ચેટબોટ્સ પર પણ કડક નિયંત્રણો લાદવામાં આવશે. જ્યાં અજાણ્યા લોકો બાળકોનો સીધો સંપર્ક કરી શકે છે, ત્યાં કડક ‘એજ વેરિફિકેશન સિસ્ટમ’ (ઉંમરની ચકાસણી) ફરજિયાત કરાશે. મોટી ઉંમરના કિશોરો મોડી રાત સુધી સોશિયલ મીડિયા પર સ્ક્રોલિંગ ન કરે તે માટે રાત્રિના સમયે ‘ડિજિટલ કરફ્યુ’ જેવા આકરા પગલાં ભરવા પર પણ વિચારણા ચાલી રહી છે.
વડાપ્રધાન કીર સ્ટાર્મરે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બાળકોને ખુશ રાખવાને બદલે તેમને પરેશાન અને અસુરક્ષિત બનાવી રહ્યા છે. ઓનલાઈન બુલિંગ (ખીજવવું) અને સતામણી હવે ખૂબ જ સરળ બની ગઈ છે. આ પ્લેટફોર્મ્સના ‘ઇન્ફિનિટ સ્ક્રોલ’ (સતત સ્ક્રોલ થતા ફીચર્સ) બાળકોને કલાકો સુધી સ્ક્રીન સામે જકડી રાખે છે, જેના કારણે તેમની ભણવાની, પુસ્તકો વાંચવાની, મિત્રો સાથે સમય વિતાવવાની આદત અને પૂરતી ઊંઘ પર અત્યંત નકારાત્મક અસર પડી રહી છે.
-
1.16 લાખ લોકોની રાય બાદ લેવાયો ફેંસલો
આ કાયદો બનાવતા પહેલા બ્રિટન સરકારે જનતાના સૂચનો મંગાવ્યા હતા, જેમાં માતા-પિતા, ટેક કંપનીઓ અને બાળકો સહિત વિવિધ વર્ગોમાંથી આશરે 1.16 લાખ પ્રતિક્રિયાઓ મળી હતી. બ્રિટનની સંસ્કૃતિ મંત્રી લિસા નેન્ડીએ જણાવ્યું કે, બહુમતી લોકોએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધનું જોરદાર સમર્થન કર્યું છે. જોકે, માત્ર પ્રતિબંધ જ ઉકેલ નથી, તેને અન્ય કડક સુરક્ષા માપદંડો સાથે લાગુ કરાશે.
વડાપ્રધાન સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું છે કે સરકારે આ અંગેની જરૂરી કાનૂની પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે અને આગામી વર્ષે વસંત ઋતુ સુધીમાં આ કાયદો સમગ્ર દેશમાં લાગુ કરવાનો લક્ષ્યાંક છે. તેમણે ટેક કંપનીઓને આડે હાથ લેતા કહ્યું કે, ટેકનોલોજીને લોકોની અને બાળકોની સુરક્ષાની જરૂરિયાત મુજબ નિયંત્રિત કરી શકાય છે અને સરકાર તેમ કરીને જ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા દેશો પણ બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર ઉંમર આધારિત પ્રતિબંધો અને કડક નિયમો લાદી ચૂક્યા છે, જેમાં હવે બ્રિટનનું નામ પણ જોડાઈ ગયું છે.

