Site icon Revoi.in

બ્રિટનના PM બોરિસ જોન્સન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની પણ મુલાકાત લેશે

Social Share

અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન આજે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. બોરિસ જોન્સન નિર્માણાધિન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત પણ લેશે. ગુજરાત સરકારના ફ્લેગશિપ પ્રોજેક્ટ એવી ‘ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી  આશરે રૂ.200 કરોડના ખર્ચે પ્રતિષ્ઠિત ગિફ્ટ-સિટી ખાતે આકાર લઇ રહી છે.  જેમાં ઉત્પાદનોની નાવીન્યસભર વિચારને કેન્દ્ર સ્થાને રાખીને દેશના યુવા માનસ સંશોધન કાર્યો કરશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ગુજરાત બાયોટેકનોલોજી યુનિ. ખાતે યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સનનું સ્વાગત કરશે. તેમની આ મુલાકાત બંને દેશો વચ્ચે શિક્ષણ, આરોગ્ય અને ટેકનોલોજીમાં સહયોગ પર કેન્દ્રિત છે. બોરિસ જોન્સન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીમાં નિર્માણાધીન ઉચ્ચ સ્તરની સંશોધન સુવિધાઓની મુલાકાત લેશે અને જીબીયુ માટે સંશોધન વિદ્વાનો, લેબ ટેકનિશિયન અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે. તેમને યુનિવર્સિટીના હેતુ અને તેની કામગીરીના ક્ષેત્રો અંગે માહિતગાર કરવામાં આવશે. વડાપ્રધાન બોરિસ જોન્સન સહયોગના નેજા હેઠળ સંશોધન અને નવીનતાના ભાવિ માર્ગો અંગે ચર્ચા કરશે.

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં યુકેની એડિનબર્ગ યુનિવર્સિટી સહયોગી બની રહી છે. જીબીયુ એ બાયોટેકનોલોજીમાં ઉચ્ચ શિક્ષણની યોજના માટે ‘જીવંત પ્રયોગશાળા’ હશે. આ જીબીયુની સ્થાપનાથી આશા છે. કે, આ મોડેલ સમગ્ર ભારતમાં આદર્શ મોડેલ હશે. જીબીયુથી ઉચ્ચ શિક્ષણમાં યુકે અને ભારત વચ્ચે ઊંડા અને અર્થપૂર્ણ ભાગીદારી માટે અગ્રતા સ્થાપિત થશે. યુકેના વડાપ્રધાનની જીબીયુની મુલાકાત સમગ્ર ભારત અને યુકેમાં શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટેની નોંધપાત્ર તકને પ્રકાશિત કરશે. ઉપરાંત, ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી જીવનપર્યંત વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતના વિકાસને આગળ ધપાવતા એન્જિનનો એક ભાગ બનશે. જે ઉદ્યોગ માટે તૈયાર પ્રતિભા, એક નવીન ઇકોસિસ્ટમ અને રિસર્ચ ક્ષેત્રે મૈત્રીપૂર્ણ સંસ્થાકીય ભાગીદારી પ્રદાન કરશે.

Exit mobile version