Site icon Revoi.in

પંજાબમાં પાકિસ્તાન બોર્ડર પાસે BSFએ તોડી પાડ્યું ડ્રોન,હેરોઈનનું પેકેટ જપ્ત

Social Share

દિલ્હી:પંજાબમાં પાકિસ્તાન બોર્ડર પર ડ્રોન દ્વારા ગેરકાયદેસર હથિયાર અને હેરોઈનની દાણચોરીનો મામલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. બીએસએફ અને પંજાબ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં અમૃતસરના ધનોયે ખુર્દ ગામ નજીક હેરોઈન ધરાવતા પ્રતિબંધિત પેકેટ વહન કરતા એક શંકાસ્પદ ડ્રોનને અટકાવવામાં આવ્યું છે. આ ડ્રોન દ્વારા હેરોઈનની દાણચોરી કરવામાં આવી રહી હતી.

આ પહેલા પંજાબના અમૃતસરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક છેલ્લા 24 કલાકમાં બે ડ્રોન અને એક કિલોગ્રામથી વધુ હેરોઈન ઝડપાયું છે. બીએસએફે જણાવ્યું કે બાતમીના આધારે બીએસએફના જવાનો અને પંજાબ પોલીસે શનિવારે સાંજે અમૃતસરના ધનોઈયા ખરડ ગામની સીમમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન એક ખેતરમાંથી ચીની બનાવટનું ડ્રોન અને 545 ગ્રામ વજનનું હેરોઈનનું પેકેટ મળી આવ્યું હતું.

બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અન્ય એક ઘટનામાં બીએસએફ અને પંજાબ પોલીસે બાતમી મળ્યા બાદ રવિવારે સાંજે અટારી ગામની સીમમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સંયુક્ત ટીમે દોરડા વડે બાંધેલ ચીની બનાવટનું ડ્રોન અને 544 ગ્રામ વજનનું હેરોઈનનું પેકેટ જપ્ત કર્યું છે.

પાકિસ્તાનની સરહદે પંજાબમાં ગેરકાયદેસર હથિયારો અને ડ્રગ્સની દાણચોરી ચાલુ છે. બીએસએફ અને પોલીસ આવી ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે