Site icon Revoi.in

BSPના ધારાસભ્ય ઉમાશંકર સિંહને ત્યાં ITના દરોડામાં રૂ.10 કરોડની રોકડ મળી

Social Share

લખનૌ, 26 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી (BSP)ના એકમાત્ર ધારાસભ્ય ઉમાશંકર સિંહ અને તેમના નજીકના સાથીદારોને ત્યાં બુધવારથી ચાલી રહેલી આવકવેરા વિભાગ (IT)ની મેરેથોન કાર્યવાહી પૂર્ણ થઈ છે. લખનઉના વિપુલખંડ સ્થિત ધારાસભ્યના નિવાસસ્થાનેથી તપાસ દરમિયાન રૂ. 10 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. જોકે, તેમની ઓફિસ અને અન્ય સ્થળોએ હજુ પણ તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

બલિયાની રસડા બેઠકના ધારાસભ્ય ઉમાશંકર સિંહના ઠેકાણાઓ પર આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. લખનઉ, બલિયા, સોનભદ્ર, કૌશામ્બી, મિર્ઝાપુર અને પ્રયાગરાજ સહિત 30થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. 50થી વધુ અધિકારીઓની અલગ-અલગ ટીમોએ સતત બે દિવસ સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

બલિયામાં ધારાસભ્યના નિવાસસ્થાને દરોડો પાડવો પડકારજનક હોવાથી આવકવેરા વિભાગે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું હતું. સ્થાનિક સ્તરે કોઈને ગંધ ન આવે તે માટે અધિકારીઓ સરકારી ગાડીઓને બદલે ખાનગી વાહનોમાં ‘જાનૈયા’ બનીને પહોંચ્યા હતા. વાહનો પર “મહેન્દ્ર કુમાર સંગ સંગીતા કુમારી” નામના લગ્નના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા, જેથી કોઈને શંકા ન જાય અને ટીમ સીધી ધારાસભ્યના ઘર સુધી પહોંચી ગઈ હતી.

ઉમાશંકર સિંહ ‘છત્રશક્તિ કન્સ્ટ્રક્શન’ અને ‘સાઈ રામ એન્ટરપ્રાઈઝ’ નામે રોડ અને માઇનિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત વર્ષે કેગ (CAG) ના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે સોનભદ્રમાં ગેરકાયદે ખનનને કારણે સરકારને અંદાજે રૂ. 60 કરોડના મહેસૂલનું નુકસાન થયું છે. આ રિપોર્ટના આધારે જ ટેક્સ ચોરી અને બેનામી સંપત્તિના પુરાવા એકત્ર કરવા માટે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું મનાય છે.

તપાસ દરમિયાન મિર્ઝાપુર અને સોનભદ્રમાં થયેલા ગેરકાયદે ખનન અંગેના મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. આ દસ્તાવેજોમાં કેટલાક વગદાર સરકારી અધિકારીઓના નામ અને તેમને ચૂકવવામાં આવેલી રકમનો પણ ઉલ્લેખ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આવકવેરા વિભાગને શંકા છે કે ખનન વ્યવસાયમાં અનેક બ્યુરોક્રેટ્સના કાળા નાણાંનું રોકાણ કરવામાં આવ્યું છે, જેની હવે ઝીણવટભરી તપાસ થઈ રહી છે.

આ પણ વાંચોઃ કેનેડાનો યુ-ટર્નઃ નિજ્જર હત્યા કેસમાં ભારતને આપી ક્લીન ચીટ

Exit mobile version