Site icon Revoi.in

અમદાવાદમાં મિલકતવેરો ન ભરનારાની દાદાગીરી, AMCએ મારેલા સીલ પણ તોડી નાંખ્યા

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મ્યુનિ,કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાત માટે ઝૂબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં બાકી પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે મિલકતોને સીલ કરવામાં આવે છે. રહેણાંકની મિલકતો સીલ કરી શકાતી નથી પણ કોમર્શિયલ મિલક્તો સીલ કરી શકાય છે. એએમસીએ છેલ્લા મહિનામાં અનેક કોમર્શિયલ મિલક્તોને સીલ માર્યા છે. પણ કેટલાક પ્રોપર્ટીધારકો મ્યુનિએ મારેલા સીલ તોડી નાંખી માંખતા હોય છે. 15 જેટલા પ્રોપર્ટીધારકોએ મ્યુનિએ મારેલા સીલ તોડી નાંખતા આખરે આવા પ્રોપર્ટીધારકો સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સની વસુલાત માટે ટેક્સ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મિલકત સીલીંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવે છે. વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલી મિલકતોમાં સીલ તોડી મિલકતનો ઉપયોગ કરનારા લોકો સામે પૂર્વઝોનના ટેક્સ વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઓઢવ અને નવા નિકોલ, અને રોહીદાસ મિલ કમ્પાઉન્ડમાં આવેલી કેટલીક મિલક્તોને સીલ મારવામાં આવ્યા હતા. જેમાં  ત્રણેય મિલકત ધારકો દ્વારા સીલ તોડી નાખવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જ્યારે દક્ષિણ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા વિવિધ 100થી વધુ મિલકતોને બાકી ટેક્સ મામલે સીલ કરવામાં આવી હતી. જે મામલે આજે ટેક્સ વિભાગ દ્વારા કુલ 15 જેટલા મિલકત ધારકો સામે સીલ તોડવા બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

શહેરમાં પ્રોફેશનલ ટેક્સ વસૂલવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.  સોમવારે ટેક્સ વિભાગ દ્વારા 502 મિલકતોની સ્થળ રૂબરૂ તપાસ કરી ટેક્સ ન ભર્યો હોય કે અપુરતો ભર્યો હોય તેવા 231 ટેક્સધારકોને નોટિસો ઇસ્યુ કરી કુલ 13.49 લાખ ટેક્સ વસૂલવામાં આવ્યો છે. ટેકસ વિભાગ દ્વારા ઘાટલોડીયા, મેમનગર, વસ્ત્રાપુર, ગોતા, ગુરુકુળ વગેરે વિસ્તારમાં આવેલી બેંક, હોટલ, રેસ્ટોરન્ટ, સ્કૂલ, દુકાનો, પાર્ટીપ્લોટ વગેરે મિલકતોને નોટિસ આપવામાં આવી હતી.

શહેરમાં રોડ ઉપર ચાલતા જતા અથવા તો વ્હીકલ ઉપર જતા લોકો પિચકારી મારી ગંદકી કરનારા લોકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા દંડ કરવામાં આવે છે. આજે સોમવારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 91 જેટલા લોકોને જાહેરમાં થુંકતા ઝડપી કુલ 10200નો દંડ વસુલવામાં આવ્યો હતો. શહેરના ભાઇપુરા, રાણીપ, ચાંદખેડા, સરદારનગર, ચાંદલોડિયા, નારોલ સહિતના વિસ્તારોમાંથી લોકો થૂંકતા ઝડપાયા હતા. આગામી દિવસોમાં પણ આ ઝૂંબેશને સઘન બનાવવામાં આવશે.