Site icon Revoi.in

કોરોનાને કારણે પ્રતિકૂળ અસરથી કોર સેક્ટરના ઉત્પાદનમાં 6 મહિનાનો સૌથી ઝડપી ઘટાડો

Social Share

નવી દિલ્હી: ભારતીય અર્થતંત્ર પર હજુ પણ કોરોના મહામારીની પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. ભારતના મુખ્ય આઠ ઔદ્યોગિક ક્ષેત્રોના સમૂહ એટલે કે કોર સેક્ટરના ઉત્પાદન વૃદ્વિદરમાં 6 મહિનાનો સૌથી ઝડપી ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરી મહિનામાં કોર સેક્ટરના ઉત્પાદનમાં 4.6 ટકાનો નકારાત્મક વૃદ્વિદર જોવા મળ્યો છે જે છેલ્લા 6 મહિનાનો સૌથી મોટો ઘટાડો છે.

સરકારી વિભાગ દ્વારા જાન્યુઆરીનો સંશોધિત કોર સેક્ટરનો આંકડો જાહેર કર્યો છે, જેમાં જાન્યુઆરી માટે કોર સેક્ટરનો ગ્રોથ રેટ અગાઉના 0.1 ટકાથી સુધારીને 0.9 ટકા કર્યો છે.

એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021 સુધી કોર સેક્ટરનું ઉત્પાદન 8.3 ટકા ઘટ્યું છે જ્યારે તેની પૂર્વે સમાન સમયગાળામાં ઉત્પાદન 1.3 ટકા વધ્યું હતું.

ફેબ્રુઆરીમાં સ્ટીલનું ઉત્પાદન 1.8 ટકા ઇને વીજ ઉત્પાદન 0.2 ટકા ઘટ્યું છે. જેમાં અગાઉ સતત 5 મહિના સુધી સકારાત્મક વૃદ્વિ જોવા મળી હતી. તો રિફાઇનરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન ફેબ્રુઆરીમાં સૌથી ઝડપી 10.9 ટકા ઘટ્યું છે. તેવી જ રીતે સિમેન્ટનું ઉત્પાદન 5.5 ટકા, કોલસાનું 4.4 ટકા, ક્રૂડ ઓઇલનું 3.2 ટકા, કુદરતી ગેસનું 1 ટકા અને ખાતરના ઉત્પાદનમાં 3.7 ટકાનો નકારાત્મક વૃદ્વિદર નોંધાયો છે.

(સંકેત)