Site icon Revoi.in

વર્ષ 2020માં કોરોના કાળ વચ્ચે પણ આઇપીઓએ રોકાણકારોને આપ્યું શાનદાર રિટર્ન

Social Share

નવી દિલ્હી: વર્ષ 2020માં કોરોનાને કારણે અર્થતંત્રમાં મંદીનું મોજું ફરી વળ્યું છે તો બીજી તરફ કોરોના કાળમાં આવેલા ઇન્શિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ)એ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આ વર્ષે આઇપીઓએ રોકાણકારોને સરેરાશ 42 ટકા રિટર્ન આપ્યું છે.

વર્ષ 2019માં આવેલા આઇપીઓ વિશે વાત કરીએ તો ત્યારે આઇપીઓમાં રોકાણ કરનારાઓને સરેરાશ 20 ટકા જેટલું જ વળતર મળ્યું હતું, જ્યારે વર્ષ 2018માં તેમને ફક્ત 6 ટકા જ રિટર્ન મળ્યું હતું. આ વર્ષે આઇપીઓ સરેરાશ 75 ગણાં સબ્સ્ક્રાઇબ થયા છે. વર્ષ 2019માં તે ફક્ત 32 ગણા સબ્સ્ક્રાઇબ થયા હતા. મિસીસ બેક્ટર્સનો આઇપીઓ આ વર્ષે સૌથી વધુ 199 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે.

આ વર્ષે આઇપીઓની વાત કરીએ તો શેરબજારમાં કુલ 13 આઇપીઓ આવ્યા છે, જેમાં બર્ગર કિંગ, હેપ્પીયેસ્ટ માઇન્ડ્સ્ અને રૂટ મોબાઇલ છે, જેણે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. તેમાંથી, બર્ગર કિંગ 131 ટકા, હેપ્પીયેસ્ટ માઇન્ડ્સે 123 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થઇ હતી. આઇપીઓના માધ્યમથી 13 કંપનીઓએ આ વર્ષે 26,184 કરોડ રૂપિયા ઉભા કર્યા છે, જે વર્ષ 2018 પછીના સૌથી વધુ છે.

વર્ષ 2021માં આ આઇપીઓ આવશે

વર્ષ 2021માં પણ અનેક કંપનીઓ પોતાના આઇપીઓ લાવી રહી છે. જેમાં કલ્યાણ જ્વેલર્સ, રેલટેલ, એનએસઇ, એનસીડીએક્સ, ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન, બાર્બેક્યું નેશન, ઇએસએફ સ્મોલ ફાઇનાન્સ બેંક, બજાજ એનર્જી લિમિટેડ, પાવરિકા લિમિટેડ, એચડીબી ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, ટીસીઆઇએલ લિમિટેડ, સ્ટડ્સ એક્સેસરીઝ લિમિટેડ, ઝોમેટો, ગ્રોફર્સ, નર્મદા બાયોકેમ લિમિટેડ, સ્ટોવ ક્રાફ્ટ લિમિટેડનો સમાવેશ થાય છે.

શું હોય છે આઇપીઓ

જ્યારે કોઈ કંપની પોતાનો સામાન્ય સ્ટોક અથવા શેરને પ્રથમ વખત જનતા માટે જાહેર કરે છે, ત્યારે તેને આઈપીઓ, ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ કહેવામાં આવે છે. આ આઈપીઓ મર્યાદિત કંપનીઓ દ્વારા જારી કરવામાં આવે છે જેથી તેઓને શેર બજારમાં લિસ્ટ કરી શકાય. શેરબજારમાં લિસ્ટ થયા પછી કંપનીના શેર શેરબજારમાં ખરીદી શકાય છે.

(સંકેત)