Site icon Revoi.in

આખરે સત્તાવાર રીતે મહારાજાની ‘ઘરવાપસી’, તાતા ગ્રૂપને સોંપાઇ એર ઇન્ડિયાની કમાન

Social Share

નવી દિલ્હી: આખરે 19 વર્ષ બાદ ફરી એર ઇન્ડિયાની કમાન તાતા ગ્રૂપના હાથમાં આવી છે. આ અંગે વાત કરતા DIPAMના સેક્રેટરી તુહિન કાંત પાંડેએ જણાવ્યું કે, એર ઇન્ડિયામાં સરકારનો સમગ્ર હિસ્સો તાતા સન્સની પેટાકંપની ટેલેસ પ્રાઇવેટ લિમિટેડને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. હવેથી એર ઇન્ડિયાના નવા માલિક તાતા ગ્રૂપ છે.

મહારાજાનું પદ સભાળતા જ હવે તાતા ગ્રૂપનો પ્રથમ પ્રયાસ એરલાઇનને વર્લ્ડ ક્લાસ બનાવાનો રહેશે. તાતા ગ્રૂપ સૌથી પહેલા તો એર ઇન્ડિયાની ફ્લાઇટને સમયસર ચલાવવા માટે કાર્ય કરશે. તે ઉપરાંત અનેક ફેરફારો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં બેઠક વ્યવસ્થા તેમજ કેબિન ક્રૂનો ડ્રેસ કોડ બદલવાનો પણ સમાવેશ થાય છે.

તાતા ગ્રૂપને કમાન મળ્યા બાદ તાતા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું કે, આ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. એર ઇન્ડિયાની વાપસીથી અમે ઘણા ખુશ છીએ. હવે અમારો ધ્યેય આ એરલાઇનને વર્લ્ડ ક્લાસ બનાવવાનો છે.

હવે એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટ્સમાં રતન તાતાનો વોઇસ રેકોર્ડ વગાડવામાં આવશે. ઓક્ટોબર 2021માં તાતા ગ્રૂપે એર ઇન્ડિયામાં 18000 કરોડમાં 100 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ બિડ તાતા સન્સની સબસિડિયરી કંપની ટેલેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી.

SBIના નેતૃત્વમાં બેંકોનું એક સંઘ એર ઇન્ડિયાના સંચાલન માટે તાતા ગ્રૂપને લોન આપશે. કન્સોર્ટિયમમાં SBI, PNB, બેંક ઑફ બરોડા અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. આ કન્સોર્ટિયમ તાતા ગ્રૂપને ટર્મ લોન તેમજ વર્કિંગ કેપિટલ લોન પૂરી પાડશે.