- વિશ્વની ટોચની 100 બ્રાન્ડ્સનું રેન્કિંગ જાહેર થયું
- ટોચની 100 બ્રાન્ડ્સમાં એમેઝોન પ્રથમ ક્રમાંકે
- રેન્કિંગમાં ભારતની પણ ત્રણ કંપનીઓનો સમાવેશ
નવી દિલ્હી: વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સને લઇને તાજેતરમાં એક રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું હતું. એમેઝોન અને એપલ વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે. જો કે ચીનની બ્રાન્ડ્સ પણ આ બાબતમાં સતત આગળ વધી રહી છે. કાન્ટાર બ્રાન્ડઝેડના રેન્કિંગ પ્રમાણે વેલ્યૂની દૃષ્ટિએ ચીનની બ્રાન્ડ્સ યૂરોપની ટોચની બ્રાન્ડથી પણ આગળ નીકળી ગઇ છે.
વર્ષ 1994માં જેફ બેઝોસ દ્વારા સ્થાપિત એમેઝોન વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની રહી છે. એમેઝોનની બ્રાન્ડ વેલ્યૂ 684 બિલિયલ ડૉલર આંકવામાં આવી છે. જ્યારે વર્ષ 1976માં સ્થાપિત એપલની બ્રાન્ડ વેલ્યૂ 612 અબજ ડૉલર છે.
આ રેન્કિંગમાં ગૂગલ 458 અબજ ડોલરની વેલ્યુ સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે છે. 100 કંપનીઓની યાદીમાં ભારતની ત્રણ કંપનીઓને પણ સ્થાન મળ્યું છે. ટીસીએસ 58માં ક્રમે, એચડીએફસી બેંક 66માં ક્રમે અને એલઆઇસી 75માં ક્રમે છે.
આ યાદીમાં ચોથા ક્રમે માઇક્રોસોફ્ટ, પાંચમાં ક્રમે ચીનની વીડિયો ગેમ અને સોશિયલ મીડિયા કંપની ટેનસેન્ટ પાંચમાં ક્રમે, છઠ્ઠા ક્રમે ફેસબુક, સાતમા ક્રમે અલીબાબા, આઠમાં ક્રમે વિસા, નવમાં ક્રમે મેકડોનાલ્ડ અને અને દસમાં ક્રમે માસ્ટરકાર્ડ છે.
આ યાદીમાં અમેરિકન બ્રાન્ડ્ઝનું પ્રભુત્ત્વ છે. 100માંથી 74 બ્રાન્ડ અમેરિકાની છે. ફ્રાન્સની લૂઇસ વીટોન 21માં ક્રમે છે અને યુરોપની સૌથી વધુ મૂલ્યવાન બ્રાન્ડ છે. બ્રિટનની વોડાફોન આ યાદીમાં 26મા ક્રમે છે.