Site icon Revoi.in

બિટકોઇનમાં તેજી જ તેજી, 66,000 ડૉલરની નવી ટોચે, મહિનામાં 42%નો ઉછાળો

Social Share

નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા છે. લોકોમાં પણ તેમાં રોકાણ પ્રત્યેનો ટ્રેન્ડ વધ્યો છે. કડાકા બાદ બિટકોઇનમાં ફરીથી ઉછાળો આવ્યો છે. હવે પ્રથમવાર કિંમત 65,000 ડોલરની કુદાવ્યા બાદ 66,000 ડોલરની નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી હતી.

અમેરિકામાં બિટકોઇનના પ્રથમ ફ્યૂચર એક્સચેંજ ટ્રેડેડ ફંડમાં ટ્રેડિંગના શ્રીગણેશથી બિટકોઇનમાં ઉછાળો જોવા મળ્યો છે. ફ્યૂચર ઇટીએફ ટ્રેડિંગ શરૂ થવાના અહેવાલો પાછળ બિટકોઇન સતત તેજી તરફ આગળ વધી રહી છે.

બિટકોઇનમાં અત્યારસુધીનો સૌથી મોટો ઉછાળો જોવા મળતા પ્રથમવાર 65,000 ડૉલરની સપાટી કુદાવ્યા બાદ બિટકોઇન દિવસ દરમિયાન અત્યારસુધીમાં 3.1 ટકાના ઉછાળે 66,084 ડૉલરના રેકોર્ડ હાઇ લેવલને સ્પર્શી છે.

અગાઉ એપ્રિલમાં બિટકોઇને 64,888.99 ડૉલરની ઉંચી સપાટી બનાવીહતી અને ત્યારબાદ જૂનમાં ભાવ ગગડીને 30,000 ડૉલરની નીચે જતો રહ્યો હતો. છેલ્લા એક મહિનામાં 42 ટકાની તેજી સાથે કેલેન્ડર વર્ષ 2021માં અત્યારસુધીમાં બિટકોઇનમાં 120 ટકાનો ઉછાળો નોંધાયો છે.

બિટકોઇન ઉપરાંત અન્ય ક્રિપ્ટોકરન્સી પર નજર કરીએ તો ઇથેરિયમમાં 5 ટકાથી વધુની તેજી સાથે કિંમત 4,000 ડૉલરને વટાવી ગઇ હતી. એક મહિનામાં ઇથેરિયમમાં રોકાણકારોને 24 ટકા અને છ મહિનામાં 77 ટકાનું રિટર્ન મળ્યું છે. ડોગકોઇનની કિંમત પણ 3 ટકા વધીને સાંજે 0.252019 ડોલરના સ્તરે ટ્રેડ કરી રહી હતી.