Site icon Revoi.in

લોકડાઉન ઇફેક્ટ: ટ્રકના ભાડામાં બીજી વાર 6-7 ટકાનો ઘટાડો નોંધાયો

Social Share

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરને કારણે દેશની મોટા ભાગની આર્થિક ગતિવિધિઓ પર વિપરીત અસર જોવા મળી છે. અનેક વેપાર-ધંધાને પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આર્થિક પ્રવૃત્તિઓ પર પડેલી પ્રતિકૂળ અસરને કારણે ટ્રકોના ભાડામાં છેલ્લા 15 દિવસમાં બીજો 6 થી 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ફેક્ટરીઓમાં ઉત્પાદનમાં ઘટાડો તેમજ વિવિધ રાજ્યો દ્વારા લાગૂ કરાયેલા નિયમનકારી પગલાંઓને કારણે નૂર દર ઘટ્યા છે તેવું ઇન્ડિયન ફાઉન્ડેશન ઑફ ટ્રાન્સપોર્ટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા જણાવાયું હતું.

કોરોનાની બીજી લહેરથી સૌથી વધુ અસર ગામડાઓને થઇ છે અને આ જ કારણોસર માર્ગ પરિવહન ક્ષેત્રમાં રિકવરી થતા લાંબો સમય લાગી જશે એમ ફાઉન્ડેશન દ્વારા જણાવાયું છે. ફાઉન્ડેશનના હોદ્દેદારે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે પ્રથમ લહેરની તુલનાએ બીજી લહેરમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે અને તે સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની વકી છે.

કોરોના મહામારીને કારણે માર્ગ પરિવહન ક્ષેત્રે પર પ્રતિકૂળ અસર પડી છે, જેને કારણે મેના પ્રથમ 15 દિવસ દરમિયાન ટ્રાન્સપોર્ટ ફ્યૂઅલ્સના વેચાણમાં એપ્રિલના આ ગાળાની તુલનાએ 20 ટકાનો ઘટાડો થયો છે. ટ્રક ભાડામાં ઘટાડો થતાં ટ્રાન્સપોર્ટરો માટે તેમની ટ્રક્સ પેટેની લોન્સ ચૂકવવાનું વધુ કપરું બનશે.

આ કઠીન અને સંકટની સ્થિતિમાં લોનના રિપેમેન્ટમાં સરકાર તેઓને મોરેટોરિયમ પૂરું પાડશે તેવી ટ્રાન્સપોર્ટરો આશા સેવી રહ્યા છે. ઑલ ઇન્ડાન મોટર ટ્રાન્સપોર્ટર કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રની 60 ટકા ક્ષમતા હાલમાં નિષ્ક્રીય હાલતમાં છે.