Site icon Revoi.in

હવે આતંકીઓની ખેર નથી, ભારત અમેરિકા પાસેથી 30 પ્રિડેટર ડ્રોન ખરીદશે

Social Share

નવી દિલ્હી: ભારતે થોડાક સમય પહેલા રશિયા પાસેથી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એસ-400 ખરીદી છે અને ટૂંક સમયમાં તેની ડિલિવરી પણ શરૂ થઇ ગઇ છે. ભારત-રશિયા વચ્ચેના આ સોદાથી અમેરિકા ભડક્યું હતું અને ભારત પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યું હતું.

જો કે ભારત પર પ્રતિબંધની વાતો વચ્ચે હવે અમેરિકા નરમ પડ્યું છે અને હવે તે ભારત સાથે સંરક્ષણ ક્ષેત્રે સોદો કરવા માટે રાજી થઇ ગયું છે.

પાકિસ્તાન અને ચીન જેવા શત્રુઓ વારંવાર અટકચાળો કરીને ભારતને પરેશાન કરતા રહે છે અને અનેક કાવતરાઓને અંજામ આપીને ભારતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરે છે. આ વચ્ચે હવે પાકિસ્તાન-ચીનને જવાબ આપવા માટે ભારત હવે અમેરિકા પાસેથી મોટી સંખ્યામાં ડ્રોનની ખરીદી કરવા જઇ રહ્યું છે.

આ માટે ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા અમેરિકાના પ્રતિનિધિ સાથે સોદા અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી.

ભારત અમેરિકા પાસેથી જે ડ્રોનની ખરીદી કરવા જઇ રહ્યું છે તે હથિયારોથી સજ્જ તેમજ એડવાન્સ સિસ્ટમ ધરાવતા હશે. સાથે જ દૂર સુધી હુમલા કરવામાં પણ મદદરૂપ બનશે. અત્યારસુધી અમેરિકા આ પ્રકારના ડ્રોન હુમલા કરતું આવ્યું છે અને હવે ભારત પણ અમેરિકાની રાહ પર ચાલવા જઇ રહ્યું છે.

નોંધનીય છે કે, ખાસ કરીને આતંકીઓ જ્યારે ગાઢ જંગલોમાં છૂપાયેલા હોય છે ત્યારે તેઓને શોધવા મુશ્કેલ હોય છે. આ સમયે ડ્રોન દ્વારા તેને ટાર્ગેટ કરવા સરળ બને છે. અમેરિકા પાસેથી ભારત 30 જેટલા અત્યાધુનિક ડ્રોનની ખરીદી કરવા જઇ રહ્યું છે. આ ડીલ અંદાજે 21 હજાર કરોડ રૂપિયમાં થાય તેવી સંભાવના છે.