Site icon Revoi.in

હવે ખાદ્યતેલ થશે સસ્તું, સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

Social Share

નવી દિલ્હી: ખાદ્યતેલના સતત વધતા ભાવ પર નિયંત્રણ લાદવા માટે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ખાદ્ય તેલોના છૂટક ભાવ ઘટાડવા માટે પામ તેલ, સોયા તેલ અને સૂર્યમુખી તેલ પરની બેઝ કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે.

નાણાં મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, કાચા પામ ઑઇલ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી છે જ્યારે કાચા સોયા ઑઇલ અને કાચા સનફ્લાવર ઓઇલ પર તેને 75 ટકાથી ઘટાડીને 2.5 કરી દેવામાં આવી છે.

આ અંગે સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી વી મહેતાએ જણાવ્યું હતું કે, ટેક્સ ડ્યુટીમં આ ઘટાડા સાથે પામ ઑઇલ, સોયા ઑઇલ અને સનફ્લાવર ઑઇલ પર અસરકારક ડ્યુટી ઘટીને 24.75 ટકા થશે. જ્યારે રિફાઇન્ડ પામ ઑઇલ, સોયા ઑઇલ તેમજ સનફ્લાવર ઑઇલ પર અસરકારક ડ્યુટી 35.75 ટકા રહેશે.

તેમણે કહ્યું કે સામાન્ય રીતે એવું પણ જોવા મળે છે કે ભારતની આયાત ડ્યૂટી ઘટાડ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધે છે તેથી ખાદ્યતેલના ભાવ પર આ કાપની વાસ્તવિક અસર બેથી ત્રણ રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે. આ ઉપરાંત સરકારે ખાદ્યતેલના ભાવ ઘટાડવા માટે રેપસીડ (સરસવની વિવિધતા) ની આયાત ડ્યૂટી પણ ઘટાડવી જોઈએ.

નોંધનીય છે કે, SEA મુજબ નવેમ્બર -2020 થી જુલાઈ -2021 દરમિયાન વનસ્પતિ તેલ (ખાદ્ય અને બિન-ખાદ્ય તેલ) ની કુલ આયાત બે ટકા ઘટીને 96,54,636 ટન થઈ છે, જે અગાઉના સમાન સમયગાળામાં(નવેમ્બર-ઓક્ટોબર) 98,25,433 ટન હતું.