Site icon Revoi.in

દેશમાં રોજગારીનું સકારાત્મક ચિત્ર, જુલાઇમાં 14.65 લાખ સભ્યો EPFO સાથે જોડાયા

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન લાગૂ કરાયેલા લોકડાઉનથી ધંધા-રોજગાર ખરાબ રીતે પ્રભાવિત થયા બાદ અનેક લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે હવે દેશમાં ફરીથી રોજગારીનું એક સકારાત્મક ચિત્ર સામે આવી રહ્યું છે. જુલાઇ 2021માં 14.65 લાખ લોકો EPFOમાં જોડાયા છે, જે જૂન 2021ની તુલનામાં 31.28 ટકા વધારે છે. જૂનમાં 11.16 લાખ સભ્યો EPFO સાથે જોડાયા હતા. 8.9 લાખ સભ્યો એપ્રિલમાં EPFO અને મે મહિનામાં 6.57 લાખ જોડાયા હતા.

પ્રાપ્ત જાણકારી અનુસાર, જુલાઇમાં જોડાયેલા 14.65 લાખ સભ્યોમાંથી લગભગ 9 લાખ નવા સભ્યો છે. તે જ સમયે, 5.6 લાખ સભ્યો એવા છે જેમણે કોઇ કારણસર EPFO છોડી દીધું હતું અને હવે ફરીથી જોડાયા છે. મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટકમાં નવી રોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ રાજ્યોમાં જૂન મહિનામાં લગભગ 9.2 લાખ લોકો EPFOમાં જોડાયા છે, જે કુલ જોડાનારાઓના 62.6 ટકા છે.

વય પ્રમાણે સરખામણી બતાવે છે કે જુલાઈ 2021 દરમિયાન EPFO માં જોડાયેલા લોકોમાં 3.88 લાખ લોકો 22-25 વય જૂથમાં છે. આ પછી 18-21 વય જૂથના લગભગ 3.37 લાખ લોકોને નોકરી મળી છે. આ દર્શાવે છે કે પહેલી વખત નોકરી કરતા લોકો મોટી સંખ્યામાં EPFOમાં જોડાઈ રહ્યા છે.

EPFO માં દર મહિને સરેરાશ 7 લાખ નવા સભ્યો ઉમેરાય છે. 2020-21માં EPFO માં કુલ 77.08 લાખ નવા સભ્યો જોડાયા હતા. EPFO દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2019-20માં 78.58 લાખ નવા સભ્યો EPFO માં જોડાયા છે. અગાઉ આ આંકડો છેલ્લા નાણાકીય 2018-19 દરમિયાન 61.12 લાખ હતો.