Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ પર નાણા મંત્રીનું નિવેદન, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વાત થાય તે અનિવાર્ય

Social Share

નવી દિલ્હી: દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને નવા રેકોર્ડ્સ બનાવી રહ્યા છે. તેમાં પણ પેટ્રોલની કિંમત ઘણા શહેરોમાં 100 રૂપિયા સુધી પહોંચી ગઇ છે જ્યારે અમદાવાદમાં પણ તે 100 રૂપિયા પ્રતિ લિટરે પહોંચવા જઇ રહી છે. બીજી તરફ ખેડૂત આંદોલન, સરકારી એકમોનું ખાનગીકરણ અને બજેટ ચર્ચાનો વિષય બન્યા છે. એવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કેટલાક સવાલનો જવાબ આપ્યા હતા.

પેટ્રોલના વધતા ભાવની સમસ્યા વિશે તેમણે કહ્યું હતું કે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી હોય છે. તેથી તમે એમ કહો છો કે સરકારને આવક થાય છે, તો એ ખોટું પણ નથી. કેન્દ્ર તેમાંથી જે પણ આવક કરે છે, તેનો 40 ટકા ભાગ રાજ્યોને જાય છે. તેમાંથી રાજ્ય અને કેન્દ્રને રેવેન્યૂ મળે છે. તે કોઇ છૂપાવવા લાયક બાબત નથી. તેથી હું માનુ છું કે અંતે ગ્રાહકો પર બહુ મોટો બોજો ન આવવો જોઇએ અને તેના માટે રાજ્યો અને કેન્દ્રએ મળીને ચર્ચા કરવી જોઇએ.

ખેડૂત આંદોલન વિશે વાત કરતા નાણાંમંત્રીએ કહ્યું કે, ખેડૂતોનો જે વિરોધ છે એ ફાર્મ બિલના ત્રણ કાયદા અંગે છે. એમએસપી માટે છે જ નહીં. તો જે તમારે આ ત્રણ કાયદા વિશે વાત કરવી હોય તો ચર્ચા કરો. મે ગૃહમાં પણ કહેલું કે આ ત્રણ કાયદામાં ક્યાં વાંધો છે અને શું વાંધો છે એ મને કોઇ જણાવે. જો એમએસપી એમાં મુદ્દો જ ન હોય તો શું વાંધો છે. કૃષિ મંત્રી પણ ખેડૂત આગેવાનો સાથે બેઠા અને કહ્યું કે, એમએસપી આ કાયદાનો ભાગ નથી. તમારે ચર્ચા કરવી હોય તો અમે તૈયાર છીએ. એમએસપીના કારણે ખેડૂતોને મોટો ફાયદો થયો છે. તેમના માટે 22 પ્રકારના પાકને આ સ્કીન હેઠળ સુરક્ષિત કરવામાં આવ્યા છે. તો પછી અત્યારે આ કાયદાનો વિરોધ કેમ કરવાનો?

જાહેર ક્ષેત્રના ખાનગીકરણ વિશે નિર્મલા સીતારમણે કહ્યું કે, આ બધા જ જાહેર એકમોનું ખાનગીકરણ નથી થઈ રહ્યું, એવો કોઈ ઈરાદો પણ નથી. પરંતુ કેટલાક એકમો પ્રોફેશનલ દ્રષ્ટિકોણથી ચાલે અને ખાનગી એકમો સાથે હરિફાઈમાં રહીને યુવાન અને વિકસતા ભારતની માગને પહોંચી શકે તે માટે તેનું ખાનગીકરણ થઈ રહ્યું છે.

(સંકેત)