Site icon Revoi.in

સિંગાપોરની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GIC રિલાયન્સ રિટેલમાં કરશે 5512 કરોડ રૂપિયાનું રોકાણ

Social Share

નવી દિલ્હી:  રિલાયન્સ રિટેલ લિમિટેડમાં વધુ એક કંપની રોકાણ કરવા જઇ રહી છે. રિલાયન્સ રિટેલમાં GIC 1.22 ટકા ભાગીદારી કુલ 5512 કરોડ રૂપિયામાં ખરીદશે. આ પહેલા અબુધાબી સ્થિત સૉવરેન ફંડ મુબાડાલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ પણ રિલાયન્સ રિટેલમાં 6247.5 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. આ રોકાણ સાથે તે રિલાયન્સ રિટેલ વેન્ચરમાં 1.4 ટકા હિસ્સો ખરીદશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર રિલાયન્સ રિટેલમાં કુલ રોકાણ 32 હજાર કરોડને પાર થઇ ચૂક્યું છે. કંપનીને 7.28 ટકા ભાગીદારી વેચીને કુલ 32,197.50 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. વૈશ્વિક સ્તર પર પ્રમુખ ખાનગી ઇક્વિટી ફંડ આ સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર વિશ્વાસ મૂકી રહ્યા છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સનું વર્તમાન મૂલ્ય 4.28 લાખ કરોડ રૂપિયા છે, જેના પર કંપનીઓ રોકાણ કરી રહી છે.

આ ડીલ બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ રિટેલ પરિવારને GICનું સ્વાગત કરતા ખુશી થાય છે. વિશ્વભરમાં લાંબા ગાળાના સફળ રોકાણના ચાર દાયકા સુધીના પોતાના ટ્રેડ રેકોર્ડ જાળવી રાખનારી GIC હવે રિલાયન્સ રિટેલ સાથે ભાગીદારી કરી રહી છે. GIC નું વૈશ્વિક નેટવર્ક અને ભાગીદારીનો ટ્રેક રેકોર્ડ ભારતીય રિટેલ સેક્ટરમાં પરિવર્તન માટે અમૂલ્ય રહેશે.

નોંધનીય છે કે, દેશમાં સંગઠિત રિટેલ કારોબારમાં રિલાયન્સે 2006માં પ્રવેશ કર્યો હતો. સૌથી પહેલા કંપનીએ હૈદરાબાદમાં રિલાયન્સ ફ્રેશ સ્ટોર ખોલ્યો હતો. 25,000 કરોડ રૂપિયાની શરૂઆતથી કંપનીએ કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ, ફાર્મસી અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવાની શરૂઆત કરી હતી.

(સંકેત)