Site icon Revoi.in

સરકાર BOI સહિત આ ચાર બેંકોનું કરશે ખાનગીકરણ, ટૂંક સમયમાં પ્રક્રિયા શરૂ થશે

Social Share

નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે ચાર મિડ સાઇઝ બેંકોને ખાનગીકરણ માટે શોર્ટલિસ્ટ કરી છે. સૂત્રોનુસાર આ બેંકોને ટૂંક સમયમાં જ પ્રાઇવેટ બનાવવામાં આવી શકે છે. જે ચાર બેંકોને ખાનગીકરણ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે તેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સામેલ છે. સરકારી બેંકોમાં ભાગીદારી વેચીને સરકાર આવક વધારવા ઇચ્છે છે જેથી તે રૂપિયાનો ઉપયોગ સરકારી યોજનાઓ માટે થઇ શકે.

જો કે, બીજી તરફ આ બેંકોના ખાનગીકરણના નિર્ણયથી અનેક નોકરીઓ પર સંકટ આવી શકે છે જે એક મોટું જોખમ કહી શકાય. બેંક યુનિયનના અંદાજ પ્રમાણે બેંક ઓફ ઇન્ડિયામાં 50,000 કર્મચારી છે. જ્યારે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 33,000, બેંક ઓફ મહારાષ્ટ્રમાં લગભગ 13,000 તેમજ ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં 26,000 કર્મચારીઓ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે શોર્ટલિસ્ટ કરવામાં આવેલી આ ચાર બેંકોમાંથી બેનું ખાનગીકરણ નવા શરૂ થનારા નાણાકિય વર્ષ 2021-22માં થશે. સરકારી બેંકિંગ સેક્ટરમાં ખાનગીકરણના પ્રથમ રાઉન્ડ અંતર્ગત મિડ સાઈઝ અને નાની બેંકોમાં ભાગીદારી વેચવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. આગામી વર્ષોમાં સરકાર દેશની મોટી બેંકોનું પણ ખાનગીકરણ કરી શકે છે.

જોકે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) સરકારી બેંક જ રહેશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2021 રજૂ કરતા પોતાના ભાષણમાં પણ જાહેરાત કરી હતી કે જાહેર ક્ષેત્રની બે બેંકો અને એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ કરવાની યોજના છે કેમ કે હાલમાં કેન્દ્ર સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ પર વધારે ધ્યાન આપી રહી છે.

(સંકેત)