Site icon Revoi.in

હવે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર થશે સસ્તા, સરકારે હવે ઇલેક્ટ્રિક વાહનો પરની સબસિડી વધારી

Social Share

નવી દિલ્હી: ટેક્નોલોજી જે રીતે હરણફાળ ભરી રહી છે ત્યારે હવે ઇલક્ટ્રિક વાહનોની બોલબાલા પણ વધી છે. ઇંધણની ખપતઅને પેટ્રોલ-ડીઝલના કુવાઓ ખાલી થઇ જવાની ભીતિને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક વાહનોને સરકાર હવે વધુ પ્રાધાન્ય આપી રહી છે. ઇંધણના વિકલ્પ તરીકે હવે બેટરી આધારીત વાહનો તૈયાર કરાઇ રહ્યા છે ત્યારે હવે સરકારે આવા ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારને રાહત આપવાનું નક્કી કર્યું છે.

સરકારે હવે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર માટે સબસિડી વધારવાની જાહેરાત કરી છે. જે અનુસાર, ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટે સબસિડી વધારીને 15,000 પ્રતિ kwh કરવામાં આવી છે. જે અગાઉના સબસિડી દર કરતાં 5,000 પ્રતિ kwh જેટલી વધારે છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર પર સબસિડી વધારવાનો નિર્ણય લીધો છે. જેનાથી હવે ઇલેક્ટ્રિકલ વાહનો વધુ સસ્તા થશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે કેવડિયાને સંપૂર્ણ ઈલેક્ટ્રિક વાહનોનું શહેર બનાવવવાનો નિર્ણય કર્યો છે, જેના લીધે કેવડિયા દેશનું પહેલું શહેર હશે જ્યાં સંપૂર્ણ ઈલેક્ટ્રિક વાહનો જ જોવા મળશે.

સરકારનાં આ નિર્ણયથી એવા ગ્રાહકોને મદદ મળશે જેઓ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાનું પસંદ કરે છે. મહત્વપૂર્ણ છે કે, ભારતની સૌથી ઝડપથી વિકસતી મેન્યુફેક્ચરિંગ કંપની “એથર એનર્જી” (Ether Energy) એ એવી પહેલી કંપની છે, જેમણે તેના ગ્રાહકોને વધતી સબસિડીના ફાયદાઓ આપવાનું શરૂ કર્યું છે. કંપનીએ તેના 450X ઇલેક્ટ્રિક સ્કૂટરની (Electric Scooter) કિંમતમાં ઘટાડો કર્યો છે, જેના કારણે 450X સ્કૂટર પહેલા કરતાં 14,500 રૂપિયા સસ્તુ થશે.

ફેમ-2 પોલિસીમાં સુધારો કરાતા સબસિડીમાં પ્રતિ Kwhમાં 50 ટકાનો વધારો નોંધાયો છે. કોરોનાની મહામારી હોવા છતાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે નવી સબસિડીના કારણે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ બજારમાં વધશે તેવું એથર એનર્જીના CEO અને સહ-સ્થાપક તરુણ મહેતાએ જણાવ્યું હતું.

ફક્ત પસંદ કરેલા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરને જ ફેમ 2 (Fame-2) યોજના અંતર્ગત સબસિડીનો લાભ મળશે. આ લાભ માટે કેટલીક શરતો છે જેમાં, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં ઓછામાં ઓછી 80 કિ.મી.ની ડ્રાઇવ રેન્જ (Drive Range) હોવી જોઈએ અને મહત્તમ ગતિ 40 કિમી પ્રતિ કલાકની હોવી જોઈએ.