Site icon Revoi.in

સમગ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાત મોખરે, પ્રતિ હેક્ટર 2400 કિલોગ્રામ ડુંગળીનું ઉત્પાદન

Social Share

નવી દિલ્હી: દેશભરમાં ડુંગળીના ભાવ આસામાને પહોંચ્યા છે જે ગૃહિણીઓને રડાવી રહ્યાં છે ત્યારે બીજી તરફ ડુંગળીના ઉત્પાદનના કેટલાક રસપ્રદ આંકડાઓ સામે આવ્યા છે. આ આંકડા પર નજર કરીએ તો સમગ્ર દેશમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. કૃષિ વિભાગના આંકડાઓ અનુસાર ગુજરાતમાં પ્રતિ હેક્ટર 2400 કિલોગ્રામ ડુંગળીનું ઉત્પાદન થાય છે જ્યારે ભારતની એવરેજ 1700 કિલોગ્રામ છે.

ગુજરાતમાં વાવેતરના ચિત્ર પર નજર કરીએ તો રાજ્યમાં 40 હજાર હેક્ટર જમીનમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, જામનગર અને રાજકોટમાં ડુંગળીનું વાવેતર સૌથી વધુ થાય છે. ગુજરાતમાં ડુંગળીનો પાક શિયાળામાં લેવાય છે. ભાવનગર જીલ્લામાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.

દેશના રાજ્યોમાં પ્રતિવર્ષ સરેરાશ 13,15,200 હેક્ટર વિસ્તારમાં ડુંગળીનો પાક લેવાય છે જેમાં ગુજરાતનો હિસ્સો માત્ર ચાર ટકા છે.વ્યાપારીઓની નફાખોરી અને સંગ્રહાખોરીના કારણે ડુંગળી, બટાટા અને ટામેટાંના ભાવ ઉંચકાય છે. ગુજરાતના છૂટક માર્કેટમાં આજે ડુંગળી 60 થી 70 રૂપિયે કિલોગ્રામના ભાવે વેચાય છે. આ ડુંગળી સામાન્ય સંજોગોમાં 10 રૂપિયે કિલોગ્રામ મળતી હોય છે. આ વખતે વધતા જતાં ભાવોના કારણે કેન્દ્ર સરકારે ડુંગળીની વિદેશમાંથી આયાત કરવી પડી છે.

ભારતના ગુજરાત સિવાયના વધુ વાવેતરના રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં પણ ડુંગળીનો પાક વધુ લેવાય છે. એ ઉપરાંત ગુજરાત, બિહાર, આંધ્રપ્રદેશ, હરિયાણા, પશ્વિમ બંગાળ અને ઉત્તરપ્રદેશમાં ડુંગળીનું વાવેતર વધુ થાય છે. ડુંગળીની ઉત્પાદકતાની દૃષ્ટિએ ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે સ્પર્ધા છે.

Exit mobile version