Site icon Revoi.in

કોરોના મહામારી દરમિયાન લોકોની બચતમાં થયો ઘટાડો, ઘરનું દેવું વધ્યું: RBI રિપોર્ટ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીએ વિશ્વના મોટા ભાગના અર્થતંત્રને હચમચાવી નાંખ્યા છે અને મોટા ભાગના અર્થતંત્રને ફટકો પડ્યો છે. અનેક દેશો બચત અને ખર્ચ સામે લડી રહ્યાં છે. આ વચ્ચે ભારતની સેન્ટ્રલ બેંકે રજૂ કરેલા એક રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરી છે કે ભારતના ઘરગથ્થુ દેવામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે અને સામે પક્ષે લોકોની બચતમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

RBI દ્વારા જાહેર કરાયેલા પ્રારંભિક અંદાજ અનુસાર નાણાંકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઘરેલુ નાણાકીય બચત સતત બીજા ત્રિમાસિક ગાળામાં ઘટીને કુલ ઘરેલુ ઉત્પાદનના 8.2 ટકા થઇ છે. અગાઉના બે ત્રિમાસિક ગાળામાં અનુક્રમે બચત જીડીપી રેશિયો 21 ટકા અને 10.4 ટકાની ટોચથી સતત ઘટી રહ્યો છે.

ગત નાણાકીય વર્ષ 2019-2020ના બીજા ક્વાર્ટર દરમિયાન ઘરની બચત 8.1%ની સપાટીએ સ્થિર રહી હતી. નાણાંકીય આવકના સાધનો ઘટતા અને દેવામાં વધારો થતા લોકોની બચતમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું આરબીઆઈના રીપોર્ટમાં જણાવાયું છે.

ચોંકાવનારો આંકડો એ છે કે ત્રીજા ક્વાર્ટરમાં ઘરેલું(બેંક) થાપણોનું પ્રમાણ જીડીપીના 3% થયું છે,જે ત્રિમાસિક ગાળામાં 7.7% હતું. વ્યાજદરમાં ઘટાડા અને બેંકો સાથે થઈ રહેલ છેતરપિંડી, બેંકોની ઉઠાંતરીને કારણે બેંકો પર લોકોનો વિશ્વાસ ઘટ્યો હોવાથી થાપણ અને જમા રકમ જનતાએ ઉપાડી લેતા આ રેશિયો ઘટ્યો છે.

RBIએ ચિંતા વ્યક્ત કરી હતી કે બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પાસેથી વધુ ઉધાર લેવા છતાં ઘરેલુ નાણાકીય જવાબદારીઓ નાણાંકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સામાન્ય ઘટ્યું છે.

ઘરેલું દેવામાં પણ ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે. અમુક  પસંદગીના નાણાકીય સાધનો પર આધારીત ડેટ ટૂ જીડીપી રેશિયો માર્ચ-2019થી સતત વધી રહ્યો છે. સપ્ટેમ્બર, 2020ના 37.1%ની સાપેક્ષે ડિસેમ્બર, 2020ના અંતે વધીને 37.9%ના રેકોર્ડ લેવલે પહોંચ્યો છે.

Exit mobile version