Site icon Revoi.in

આવકવેરા વિભાગ એક્શનમાં, 785 કરોડ રૂપિયાની બેનામી આવક શોધી

Social Share

નવી દિલ્હી: આવકવેરા વિભાગ એક્શનમાં આવ્યું છે. આવકવેરા વિભાગે મધ્ય પ્રદેશ સ્થિત સોયા પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતા એક ગ્રૂપ પર દરોડા પાડીને 450 કરોડ રૂપિયાની બેનામી આવક શોધી કાઢી છે. આ ઉપરાંત આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના પુણે સ્થિત તમાકુના પેકેજિંગ તેમજ વેચાણ કરતા ગ્રૂપ પર દરોડા પાડીને 335 કરોડ રૂપિયાની બેનામી આવક શોધી કાઢી છે તેમ CBDTએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ રીતે આવકવેરા વિભાગે 785 કરોડ રૂપિયાનું કાળુ નાણું શોધી કાઢ્યું છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, આવકવેરા વિભાગે 18 ફેબ્રુઆરીના રોજ સોયા પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતા ગ્રૂપના મધ્યપ્રદેશના બેતુલ અને સતના, મહારાષ્ટ્રના મુંબઇ અને સોલાપુર તેમજ પશ્વિમ બંગાળના કોલકાતાના 22 પરિસરોમાં દરોડા પાડ્યા હતા.

સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દરોડા દરમિયાન લેપટોપ, હાર્ડ ડ્રાઇવ, પેન ડ્રાઇવ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં આ જૂથની 450 કરોડ રૃપિયાની  બેનામી આવક મળી આવી છે.

બેતુલ સ્થિત બિઝનેસ ગુ્રપના પરિસરોમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન આઠ  કરોડ રૃપિયા રોકડા તથા ૪૪ લાખ રૃપિયાનું વિદેશી ચલણ જપ્ત કર્યુ છે. આવકવેરા વિભાગ માટે ઉચ્ચ નિર્ણયો લેતી સંસ્થા સીબીડીટીએ વધુમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન નવ બેંક લોકર્સ પણ મળી આવ્યા હતાં.

આવકવેરા વિભાગે 17 ફેબ્રુઆરીના રોજ પૂણે સ્થિત તમાકુના પેકેજિંગ અને વેચાણ કરતા ગ્રૂપના મહારાષ્ટ્રમાં આવેલા 34 પરિસરોમાં દરોડા પાડયા હતાં. આ દરોડા દરમિયાન એક કરોડ રૂપિયા રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા હતાં.

(સંકેત)