Site icon Revoi.in

ભારતીયો હોમ લોન માટે હજુ પણ સરકારી બેંકો પર વધુ ભરોસો કરે છે: સર્વે

Social Share

નવી દિલ્હી: દેશમાં પ્રાઇવેટ બેંકોનું પ્રભુત્વ ભલે વધી રહ્યું હોય પરંતુ જ્યારે હોમ લોનની વાત આવે ત્યારે લોકો હજુ પણ સૌથી વધુ ભરોસો સરકારી બેંકો પર જ કરે છે. ફિનટેક કંપની બેસિક હોમ લોનના એક સર્વેમાં આ જાણકારી પ્રાપ્ત થઇ છે.

કોવિડ મહામારી દરમિયાન લોકોની ખરીદીની પેટર્ન તેમજ પસંદગીઓને સમજવા માટે આ ઘર ખરીદદારોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેમાં ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના લોકો સાથે વાત કરવામાં આવી અને 25 શહેરોમાંથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો.

સર્વે અનુસાર સર્વેમાં સામેલ 47 ટકા લોકોએ સરકારી અને જાહેર ક્ષેત્રની બેંકોમાં તેમની હોમ લોનની જરૂરિયાતો માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જ્યારે માત્ર 27 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ ખાનગી બેંકો પાસેથી લોન લેવાનું પસંદ કરશે. સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે, લગભગ 24 ટકા લોકોએ પોતાની બચતનો ઉપયોગ કરવા માટે ઘરની ખરીદી કરી હતી, જ્યારે 1 ટકાથી ઓછા લોકોએ બિન-સંસ્થાકીય ખાનગી ધિરાણકર્તાઓ પાસેથી લોન લેવાનું પસંદ કર્યું હતું.

કંપનીના સહ-સ્થાપક અતુલ મોંગાએ કહ્યું કે, દરેક બેંક પોતાનામાં અલગ છે, પછી તે સરકારી હોય કે ખાનગી ક્ષેત્રની હોય. સામાન્યપણે જાહેર ક્ષેત્રની બેંક પ્રોસેસિંગ ફીસ અને એડવાન્સ પેમેન્ટ પ્રતિબંધોના કેસમાં સારી ઑફર રજૂ કરે છે જ્યારે ખાનગી બેંક લોન ફાળવણીના મામલે સારી ટેક્નોલોજીનો લાભ ઉઠાવતા ઝડપથી લોન આપે છે.