Site icon Revoi.in

ઓમિક્રોનના પડકાર વચ્ચે પણ ભારતનો રિયલ GDP ગ્રોથ 9% રહેવાનો ઇક્રાનો અંદાજ

Social Share

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરના મારથી માંડ માંડ બેઠા થયેલા ભારતીય અર્થતંત્ર પર હવે ફરીથી નવા વેરિએન્ટ એવા ઓમિક્રોનનો ખતરો તોળાઇ રહ્યો છે. જો કે આ સંકટને મ્હાત આપવા અને દરેક પડકારોનો સામનો કરવા માટે ભારતીય અર્થતંત્ર મજબૂત હોવાનો દાવો રેટિંગ એજન્સી ઇક્રાએ કર્યો છે.

ઇક્રાના અનુમાન અનુસાર ભારતીય અર્થતંત્રનો વાસ્તવિક જીડીપી વૃદ્વિ નાણાકીય વર્ષ 2022 અને નાણાકીય વર્ષ 2023 બંનેમાં 9 ટકા રહી શકે છે.

રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિકગાળાના આંકડાઓ ખાતરીપૂર્વક પુરાવા આપતા નથી કે મોનેટરી પોલિસી કમિટી (MPC)  દ્વારા નક્કી કરેલા ટકાઉ આર્થિક વૃદ્ધિના માપદંડો હાંસલ થઈ ચૂક્યાં છે અને ફેબ્રુઆરી, 2022માં મુદ્રાનીતિને કડક કરીને ન્યુટ્રલ કરવામાં આવશે.

ભારતની રિકવરી પર વાત કરતા ઇક્રાની મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે કહ્યું કે, ઓક્ટોબર-નવેમ્બર 2021ના આંકડા ભારતની રિકવરી સાર્વત્રિક સુધારાના સંકેતો આપતા નથી. ત્રીજા ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રનો વિકાસ દર 6.0-6.5 ટકાથી ઉપર રહેશે કે નહીં તે સરકારના મૂડી ખર્ચના આંકડા પરથી જ નક્કી થાય તેવી સંભાવના છે.

ઇકરા અનુસાર અર્થતંત્ર માટે 13 મહત્વપૂર્ણ સૂચકાંકોમાંથી સાત સૂચકાંકો કોરોના પૂર્વેના સ્તર કરતા વધુ વૃદ્ધિ સૂચવે છે, તેમાં જીએસટી ઇ-વે બિલ જનરેશન (+26.7 ટકા), નોન-ઓઇલ એક્સપોર્ટ (+26.0 ટકા), રેલ ફ્રેઇટ ટ્રાન્સપોર્ટેશન (+20.2 ટકા), કોલ ઇન્ડિયા લિમિટેડ આઉટપુટ (+15.7 ટકા), પાવર જનરેશન (+9.9 ટકા), પેટ્રોલનો વપરાશ (+6.4 ટકા) અને બંદરો પર કાર્ગો ટ્રાફિક (+4.0 ટકા)નો સમાવેશ થાય છે.