Site icon Revoi.in

દેશના ઓટો સેક્ટરમાં રિકવરીના સંકેત: સપ્ટેમ્બરમાં પેસેન્જર વાહનોના વેચાણમાં 26%ની વૃદ્વિ

Social Share

ભારતમાં કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉન બાદ પરિવહન સેવાઓ સ્થગિત થઇ જતા વાહનોના વેચાણમાં પણ ઘટાડો થયો હતો જો કે હવે અનલોકની પ્રક્રિયા બાદ વાહનોના વેચાણ અંગે સકારાત્મક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં દેશમાં પેસેન્જર વાહનોનું હોલસેલ વેચાણ 26.45 ટકા વધીને 2,72,027 એકમ પર પહોંચ્યું છે. એક વર્ષ પહેલા એટલે કે સપ્ટેમ્બર 2019માં 2,15,124 રિટેલ વાહનોની ખરીદી થઇ હતી. વાહન નિર્માતા કંપનીઓના સંગઠન સિયામે આ જાણકારી આપી હતી.

સોસાયટી ઑફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (સિયામ) અનુસાર, આ દરમિયાન દ્વિચક્રી વાહનોનું વેચાણ 1 વર્ષ પહેલાની 16,56,658 એકમની તુલનામાં 11.64 ટકા વધીને 18,49,546 એકમ પર પહોંચી ગયું છે. આ દરમિયાન 12,24,117 મોટરસાઇકલોનું વેચાણ થયું, જે એક વર્ષ પહેલાના 10,43,621 યુનિટ્સની સરખામણીએ 17.3 ટકા વધુ છે.

સ્કૂટરોના વેચાણના આંકડાઓ પર નજર કરીએ તો સ્કૂટરોના વેચાણમાં વર્ષ પહેલાના 5,55,754 એકમ રહ્યું હતું. જુલાઈ-સપ્ટેમ્બર 2020ના ક્વાર્ટરમાં પેસેન્જર વાહનોનું વેચાણ પાછલા વર્ષની સમાન અવધિથી 17.02 ટકા વધીને 7,26,232 એકમ રહ્યું. એક વર્ષ પહેલા આ 6,20,620 યુનિટ રહ્યું હતું.

સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન દ્રિચક્રી વાહનોનું વેચાણ આ નાણાકીય વર્ષમાં 46,90,565 એકમ રહ્યું, જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 46,82,571 યુનિટ હતું. જો કે, કોમર્શિયલ વાહનોના વેચાણમાં આ દરમિયાન 20.13 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

વર્ષ પહેલાના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1,67,173 કોમર્શિયલ વાહનોનું વેચાણ થયું હતું, જે ઘટીને 1,33,524 એકમ પર આવી ગયું. તમામ શ્રેણીઓના વાહનોનું કુલ વેચાણ બીજા ક્વાર્ટરમાં મામૂલી ઘટીને 55,96,223 યુનિટ પર આવી ગયું. વર્ષ અગાઉ તમામ કેટેગરીમાં 56,51,459 વાહનોનું વેચાણ થયું હતું.

(સંકેત)