- પેટીએમના શેરે રોકાણકારોને રોવડાવ્યા
- લિસ્ટિંગ બાદ પણ શેર્સમાં સતત ઘટાડો ચાલુ
- અત્યાર સુધી શેર્સમાં 44 ટકાનો ઘટાડો થયો
નવી દિલ્હી: દેશના લાખો યૂઝર્સને ડિજીટલ સેવા પ્રદાન કરનારી પેટીએમના આઇપીઓએ રોકાણકારોને જંગી નુકસાન કરાવ્યું છે. અત્યારસુધીનો સૌથી મોટો 18,300 કરોડ રૂપિયાનો IPO લઇને ઉતરેલી પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશનના શેરમાં લિસ્ટિંગના દિવસથી લઇને અત્યારસુધીમાં સતત ઘટાડો ચાલુ જ છે. અત્યાર સુધી તેના શેરની કિંમત તેની ઇસ્યૂ પ્રાઇઝ કરતા અંદાજે 44 ટકા જેટલી ઘટી ચૂકી છે.
ગત ગુરુવારના રોજ શેરબજાર પર પેટીએમના શેરનું લિસ્ટિંગ થયું હતું. તેનું લિસ્ટિંગ ઇસ્યૂ પ્રાઇઝ કરતાં આશરે 9 ટકા ઘટીને થયું હતું. પહેલા દિવસે લિસ્ટિંગ બાદ તેના શેર્સની કિંમત સતત ઘટતી ગઇ અને વેપારના અંત સુધીમાં 27 ટકા સુધીનો ઘટાડો નોંધાઇ ચૂક્યો હતો. જ્યારે આજે સપ્તાહના પહેલા દિવસે તેમાં 17 ટકા જેટલો વધુ કડાકો બોલી ગયો હતો.
પેટીએમના શેરના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો સોમવારે સવારે 11.30 કલાકે પેટીએમના શેર 11.98 ટકાના ઘટાડા સાથે 1376.75 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. કારોબાર દરમિયાન તે 1350.35 રૂપિયા સુધી ઘટ્યો હતો. આ રીતે જોવા જઇએ તો રોકાણકારોને પ્રતિ શેર 800 રૂપિયા કરતા પણ વધારે નુકસાન થવા પામ્યું છે.