Site icon Revoi.in

લોકડાઉન જેવા પ્રતિબંધોથી એપ્રિલ-મેમાં પેટ્રોલના વપરાશમાં 16 ટકાનો ઘટાડો

Social Share

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર દરમિયાન દેશના મોટા ભાગના રાજ્યોમાં લાગેલા આંશિક લૉકડાઉન કે પ્રતિબંધોને કારણે એપ્રિલ અને મે મહિના દરમિયાન પેટ્રોલના વપરાશમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. ફેડરેશન ઑફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન(FGPDA)ના ડેટા અનુસાર, માર્ચ મહિનાની તુલનામાં એપ્રિલમાં પેટ્રોલનું વેચાણ ઘટ્યું છે. માર્ચમાં 2.6 કરોડ લિટર પેટ્રોલ વેચાયું હતું જ્યારે એપ્રિલનું વેચાણ 2.2 કરોડ લિટર રહ્યું. આ સમયગાળામાં ડિઝલનું વેચાણ 6.08 કરોડ લિટરથી ઘટીને 5.05 કરોડ લિટર થયું.

બીજી લહેર દરમિયાન કેટલાક પ્રતિંબધોને કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં હતા. ઉપરાંત નાઇટ કર્ફ્યૂ અને આંતરરાજ્ય પ્રવાસ પર સમયાંતરે મૂકાયેલા પ્રતિબંધોને કારણે લોકોની અવર જવર ઘટી હતી. મોટા ભાગની ઑફિસોમાં હજુ પણ વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે.જેને કારણે પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડો થયું હોવાનું FGPDAના જનરલ સેક્રેટરી ધીમંત ઘેલાણીએ કહ્યું હતું.

એપ્રિલ અને મે મહિનામાં ટ્રાવેલિંગ જાણે બંધ જ થઇ ગયું. મોટા ભાગના લોકોએ ટ્રાવેલિંગના પ્લાન પડતા મૂક્યા હતા અને કોઇ ઇમરજન્સી હોય તો જ બીજા શહેરમાં ટ્રાવેલ કરીને જતા હતા. ફરવા જવાનું પણ ટાળતા હતા અને કામ વગર ઘરની બહાર નીકળતા ન હતા તેવું અમદાવાદના એક પેટ્રોલિયમ ડીલરે કહ્યું હતું.

બીજી તરફ હવે કોરોનાની બીજી લહેર નબળી પડ્યા બાદ ફરીથી અનલૉકની પ્રક્રિયા શરૂ થતા અવર જવરને વેગ મળી છે અને જૂન મહિના દરમિયાન પેટ્રોલના વેચાણમાં નજીવો સુધારો જોવા મળ્યો છે.

આ તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે. શનિવારે એક લિટર પેટ્રોલનો ભાવ 96 રૂપિયા હતો જ્યારે પ્રતિ લિટર ડીઝલનો ભાવ 96.03 રૂપિયા હતો.