Site icon Revoi.in

કોવિડ રોગચાળા છતાં નાણાકીય વર્ષ 2020-21માં રેલવેએ તત્કાલ-પ્રિમીયમ તત્કાલ ટિકિટ પેટે રૂ. 522 કરોડની કમાણી કરી

Social Share

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોરોના રોગચાળા છતાં પણ રેલવેએ સારી કમાણી કરી હતી. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ પેટે 403 કરોડ રૂપિયા તેમજ પ્રીમિયમ તત્કાલ ટિકિટ પેટે રૂ. 119 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સમગ્ર વર્ષ દરમિયાન કોવિડને કારણે ભારતીય રેલવેની સેવાઓ અસરગ્રસ્ત રહી હોવા છતાં ભારતીય રેલવે દ્વારા આ કમાણી કરવામાં આવી હતી.

RTI હેઠળ પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રેલવેએ માહિતી આપી હતી કે, નાણાકીય વર્ષ 2021-22ના સપ્ટેમ્બર મહિના સુધીમાં રેલવેએ તત્કાલ ટિકિટ પેટે રૂ. 353 કરોડ, પ્રિમિયમ તત્કાલ ટિકિટ પેટે 89 કરોડ તેમજ ડાયનેમિક ભાડા પેટે રૂ. 240 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આપને જણાવી દઇએ કે નાણાકીય વર્ષ 2019-20માં કે જ્યારે યાત્રા પર કોઇ પ્રતિબંધ ન હતા ત્યારે ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ પેટે 1669 કરોડ રૂપિયા, પ્રિમિયમ તત્કાલ ટિકિટ પેટે 603 કરોડ રૂપિયા તેમજ ડાયનેમિક ભાડા પેટે 1313 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

અત્રે જણાવવાનું કે, કોવિડના નાણાકીય વર્ષ 2020-21માં રેલવેએ કોઇ નવી ટ્રેન શરૂ કરી નથી. નાણાકીય વર્ષ 2019-20માં 144, 2018-19માં 266, 2017-18માં 170 અને વર્ષ 2016-17માં 223 ટ્રેન સેવાઓને શરૂ કરવામાં આવી હતી.