Site icon Revoi.in

RBIએ રેપો રેટ 4 ટકા પર યથાવત્ રાખ્યા, લોનના વ્યાજદરો પણ નહીં વધે

Social Share

નવી દિલ્હી: સામાન્ય લોકોને RBIએ રાહત આપી છે. હવે લોનના વ્યાજદરો નહીં વધે. બીજી તરફ RBIએ જાહેર કરેલી મોનેટરી પોલિસીમાં રેપો રેટ યથાવત્ રાખ્યો છે. તે ઉપરાંત RBIએ અંદાજ વ્યક્ત કર્યો છે કે, નાણાકીય વર્ષ 2021-22માં જીડીપીનો દર 9.5 ટકા રહેશે. ગવર્નર શશીકાંત દાસે કહ્યું હતું કે, અર્થતંત્રની ગાડી ફરી પાટે ચઢી રહી છે અને હવે સ્થિતિ સુધરી રહી છે.

અગાઉ મોટા ભાગના નિષ્ણાતો માની રહ્યા હતા કે, RBI રેપો રેટમાં કોઇ ફેરફાર નહીં કરે. આ અંદાજ હવે સાચો પડ્યો છે. સતત આઠમી વાર રિઝર્વ બેંકે પોતાની આર્થિક નીતિમાં રેપો રેટમાં કોઇ ફેરફાર નથી કર્યો. આજે RBIના નિર્ણય બાદ શેરબજારમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 400 પોઇન્ટ્સના વધારા સાથે 60,000ની સપાટીથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

નોંધનીય છે કે, કોરોના રોગચાળા બાદ દેશમાં પોઝિટિવ ઇકોનોમિક સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. ક્રૂડના ભાવમાં તેજી છતાં અર્થતંત્રમાં રિકવરીના સંકેતો મળી રહ્યા છે. બજારોમાં માંગ નીકળી છે. તહેવારોની મોસમ શરૂ થઇ છે. તે ઉપરાંત બેંકો પણ આકર્ષક દરે ગ્રાહકોને લોન આપી રહી છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ તેજીનો સંચાર થયો છે.