Site icon Revoi.in

રમકડાં બિઝનેસમાં ભારત બન્યું આત્મનિર્ભર, સ્થાનિક રમકડાંના બિઝનેસમાં 25%ની વૃદ્વિ

Social Share

ભારત-ચીન સરહદ તણાવ વચ્ચે પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ પર દેશને આગળ વધવાની હાંકલ કરી હતી અને ચીન પરની નિર્ભરતા ઘટાડીને દેશમાં જ માલ-સામાનનું ઉત્પાદન કરીને આત્મનિર્ભર ભારતનો ઉદ્દેશ હાંસલ કરવાની હુંકાર કરી હતી. આ જ દિશામાં હવે સફળતા મળી રહી હોવાનું લાગી રહ્યું છે. પીએમ મોદીની સ્વદેશી રમકડાં બિઝેનેસ વધારવાની અપીલ બાદ રમકડાં ઇન્ડસ્ટ્રીઝ પર તેની સકારાત્મક અસર જોવા મળી રહી છે. પીએમ મોદીની અપીલ બાદ ઇન્ડસ્ટ્રીઝમાં આશરે 25 ટકાની વૃદ્વિ જોવા મળી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જારી ગ્રેટર નોઇડામાં વિકસિત થઇ રહેલા ટોય પાર્કમાં પ્લોટની માગ પણ વધી છે, જેના લીધે રાજ્ય સરકાર દ્વારા યોજનાઓ લોન્ચ કરવાની તૈયારી થઇ રહી છે.

દેશમાં રમકડાંનો વાર્ષિક વેપાર 16 હજાર કરોડનો

દેશમાં રમકડાંના વાર્ષિક વેપાર પર નજર કરીએ તો આશરે રૂ.16 હજાર કરોડનો વાર્ષિક વેપાર થાય છે, જેમાં સ્થાનિક ઉત્પાદન આશરે 25 ટકા અર્થાત્ રૂ.4 હજાર કરોડ આસપાસ છે. 75 ટકા રમકડાંની આયાત થાય છે, જેમાંથી મોટા ભાગનાં રકમડાં ચીનમાંથી આવે છે. કુલ આયાતના 1-2 ટકા આયાત અન્ય દેશમાંથી થાય છે. પીએમ મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્થાનિક વેપારને વેગ આપવા અને સ્ટાર્ટઅપ શરૂ કરવા પર ભાર આપ્યો છે.

છેલ્લા થોડા દિવસથી સ્વદેશી રમકડાંની માગ ¼ વધી છે. હાલ દેશી રમકડાંની તુલનાએ આયાત રમકડાં 40 ટકા સસ્તાં છે, પરંતુ ઇન્ડસ્ટ્રી ચીન સાથે હરીફાઇ કરવાની તૈયારી કરી રહી છે, જેના માટે સરકાર પાસેથી જમીન, સ્ટેમ્પ, બેંક લોન, સોલર પ્લાન્ટ, લીઝ રેન્ટ વગેરેમાં છૂટ આપવા માગ કરાઇ છે.

ઈન્ડસ્ટ્રી અનુસાર, આગામી 2થી 3 વર્ષમાં રૂ. 16 હજાર કરોડનું સ્વદેશી માર્કેટ બનશે, જેની સાથે રમકડાંની નિકાસ પણ શરૂ કરી શકે છે. દિલ્હી મેઈન રમકડાં માર્કેટ તેલીવાડાના જનરલ સેક્રેટરી રાજેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે ચીનમાંથી રમકડાંની આયાત ઘટી છે. સરકારે રમકડાંના વેપારીઓને પ્રોત્સાહન આપવું જોઈએ. દેશભરમાં સંગઠિત રૂપે રમકડાં બનાવતા આશરે 400 મોટા યુનિટ છે, જેમાં ઉત્તરપ્રદેશના નોઈડા, ગ્રેટર નોઈડા ઉપરાંત દિલ્હી, મુંબઈ, રાજકોટ, કોપલ (કર્ણાટક) ટોચ પર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌથી મોટાં રમકડાંના ઉત્પાદનનુ હબ ગ્રેટર નોઈડા બનવા જઈ રહ્યું છે. અહીં 100 એકરનો ટોય પાર્ક બનાવવાની યોજનાની જાહેરાત થઈ હતી. ફરી માગ વધતાં રિલોન્ચિંગની તૈયારી થઈ રહી છે. હાલ અહીં 18 યુનિટ કાર્યરત છે.

(સંકેત)