Site icon Revoi.in

એપ્રિલમાં મોંઘવારી વધી, જથ્થાબંધ ફુગાવો વધીને 10.49% નોંધાયો

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ પણ માઝા મૂકી છે. એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 10.49 ટકા થયો છે જે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ છે. ખાદ્યાન્ન વસ્તુઓ, ક્રૂડ ઓઇલ તેમજ મેન્યુફેક્ચરિંગ ગૂડ્સના ભાવમાં તેજીથી ફુગાવો વધ્યો છે.

માર્ચ, 2021માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો 7.39 ટકા હતો. સળંગ ચોથા મહિને જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં 1.57 ટકાનો ઘટાડો થયો હતો.

ખાસ કરીને ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, મેન્યુફેક્ચરિંગ વસ્તુઓના ભાવમાં તેજીથી એપ્રિલ, 2021માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામા વધારો થયો છે તેવું વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.

માંસ, ઇંડા અને માછલીના ભાવમાં તેજીને કારણે એપ્રિલમાં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો વધીને 4.92 ટકા થયો છે. માર્ચ, 2021માં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો 3.24 ટકા હતો.

એપ્રિલ, 2021માં ઇંડા, માંસ અને માછલીના ભાવમાં 10.88 ટકાનો વધારો થયો છે. જ્યારે કઠોરના ભાવમાં 10.74 ટકા તથા ફળોના ભાવમાં 27.43 ટકાનો વધારો થયો છે. જ્યારે બીજી બાજુ શાકભાજીના 9.03 ટકાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે ગયા મહિને શાકભાજીના ભાવમાં 5.19 ટકાનો ઘટાડો થયો છે.

એપ્રિલ, 2021માં ઇંધણ અને વીજળીના ભાવમાં 20.94 ટકાનો વધારો થયો છે. જ્યારે મેન્યુફેકચરિંગ વસ્તુઓના ભાવમાં 9.01 ટકાનો વધારો થયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી કેટલાક મહિનાઓ સુધી જથ્થાબંધ ફુગાવો ઉંચો રહેવાની શક્યતા છે.