Site icon Revoi.in

પ્રોત્સાહજનક: એપ્રિલ-ડિસેમ્બરમાં વાહનોના નિકાસમાં 46 ટકાનો વધારો

Social Share

નવી દિલ્હી: ભારતમાં એપ્રિલ-ડિસેમ્બરમાં વાહનોની નિકાસના આંકડાઓ પ્રોત્સાહજનક રહ્યાં છે. વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ભારતના પેસેન્જર વાહનની નિકાસ 46 ટકા વધીને 4,24,037 એકમો થઇ છે, જે 2020-21ના સમાન સમયગાળામાં 2,91,170 એકમ હતી. સિયામ અનુસાર પેસેન્જર કારની નિકાસ 2021-22ના એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળામાં 45 ટકા વધીને 2,75,728 એકમ થઇ છે.

વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઑક્ટોબર-ડિસેમ્બરમાં પેસેન્જર વાહનોની કુલ નિકાસ વદીને 1,39,363 યુનિટ થઇ ગઇ છે.

યુટિલિટી વ્હિકલની નિકાસ 47 ટકા વધીને 1,46,688 યુનિટ થઈ છે. 2020-21ના સમાન સમયગાળામાં 877 યુનિટની સરખામણીએ વેનની નિકાસ લગભગ બમણી થઈને 1,621 યુનિટ થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મારૂતિએ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન 1,67,964 પેસેન્જર વાહનોની નિકાસ કરી હતી, જે 2020-21ના સમાન સમયગાળામાં 59,821 યુનિટ કરતા 3 ગણી વધારે છે. કંપનીએ લેટિન અમેરિકા, આસિયાન, આફ્રિકા, પશ્ચિમ એશિયા અને પડોશી દેશોમાં નોંધપાત્ર નિકાસ કરી છે.