Site icon Revoi.in

અમદાવાદ મહાનગરપાલિકાની બે બેઠકોની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે

Social Share

અમદાવાદઃ કોરોનાના બીજો કાળે વિદાય લીધા બાદ ગાંધીનગર મહાનગર પાલિકાની સાથે અમદાવાદ મહાનગરપાલિકાની ખાલી પડેલી બે બેઠકોની પેટાચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે. અમદાવાદ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી બાદ ચાંદખેડા વોર્ડની ભાજપની મહિલા કોર્પોરેટરે રાજીનામું ધરી દેતાં અને ઇસનપુર વોર્ડનાં ભાજપી કોર્પોરેટરનું અવસાન થતાં બન્ને બેઠક માટે ૩જી ઓક્ટોબરે પેટાચૂંટણી યોજવામાં આવશે. આ બે બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે.

અમદાવાદ મહાનગર પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી ફેબ્રુઆરી મહિનામાં યોજાઇ હતી અને તેનું પરિણામ જાહેર થયા બાદ એપ્રિલ મહિનામાં ચાંદખેડા વોર્ડમાંથી ભાજપનાં કોર્પોરેટર પ્રતિમાબેન સક્સેનાએ અચાનક સાથી કોર્પોરેટરો કે શહેર નેતાગીરી સાથે ચર્ચાવિચારણા કર્યાં વગર રાજીનામું આપી દીધું હતું. તેનાં પગલે પહેલાં તો ભાજપે પ્રતિમાબેનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ માન્યા નહોતા અને છેવટે રાજીનામુ મંજૂર કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ ઇસનપુર વોર્ડમાંથી બે ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાતા ગૌતમભાઇ પટેલનું વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થતાં તેમની બેઠક ખાલી થઇ હતી. આમ, ચાંદખેડા અને ઇસનપુર વોર્ડની બે બેઠક ખાલી પડતાં બન્ને જગ્યાએ પેટાચૂંટણી યોજાશે તે નિશ્ચિત હોવાથી ચાંદખેડામાં મહિલા કાર્યકરો તથા પુરૂષ કાર્યકરો પોતાની પત્નીને ઉમેદવાર બનાવવાનાં પ્રયાસોમાં લાગી ગયા હતા. તેવી જ રીતે ઇસનપુરમાં ગૌતમભાઇનાં અવસાન બાદ વોર્ડનાં અમુક હોદ્દેદારો તથા કાર્યકરો પણ શહેર અને પ્રદેશનાં નેતાઓને ત્યાં આંટાફેરા કરવા માંડ્યા હતા.

મ્યુનિ. ભાજપનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ઇસનપુર અને ચાંદખેડા બંને બેઠક જાળવી રાખવા માટે પાર્ટી મક્કમ છે, તેની સામે કોંગ્રેસ પક્ષને ઇસનપુરમાં બેઠક મળવાની આશા નથી, પરંતુ ચાંદખેડામાં એક મહિલા બેઠક જાળવી રાખી છે અને બીજી મહિલા બેઠક ભાજપ પાસેથી આંચકી લેવા મરણિયા પ્રયાસો કરવામાં પાછી પાની કરવામાં આવશે નહિ તેમ શહેર કોંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું હતું. ફેબ્રુઆરીમાં યોજાયેલી મ્યુનિ. ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર પસંદગીમાં ધાંધિયા થયાનાં આક્ષેપો થયાં હતા, પરંતુ પેટાચૂંટણી માટે આગામી દિવસોમાં યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે આમ આદમી પાર્ટી પણ બે બેઠકોની પેટા ચૂંટણીમાં ઝંપલાવશે.