Site icon Revoi.in

ગુજરાતમાં કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરીને ભાજપ સરકારની કરોડોની જમીન પર નજરઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આગામી સપ્ટેમ્બરમાં મળનારા વિધાનસભાના સત્રમાં કોમન યુનિવર્સિટી એક્ટ લાવવામાં આવશે. અને તેનો મુસદ્દો પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સુચિત કોમન યુનિવર્સિટી એક્ટ સામે વિરોધ કર્યો છે. અને એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. કે, હાલ યુનિવર્સિટીઓ પાસે 50 હજાર કરોડથી વધુની કિંમતી જમીનો આવેલી છે. અને ભાજપ સરકારનો આ જમીનો પર નજર છે.

કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલે કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ સાથે સંકળાયેલ લોકોને વિનંતિ છે. કે, કોમન યુનિવર્સિટી એક્ટ અંગે સરકારને પોતાના વાંધા 12 ઓગસ્ટ સુધી મોકલી આપે. આ બિલ આવતા ગ્રાન્ટેડ યુનિવર્સિટીની સ્વાયત્તતા સમાપ્ત થશે અને વિદ્યાર્થીઓ, પ્રોફેસરો તેમજ એ સહિતનું નેતૃત્વ ખતમ થશે. જે બોર્ડ ઓફ મેનેજમેન્ટ રચાશે એમાં સરકારના માન્ય લોકો તેમજ યશમેન સામેલ થશે.

ગુજરાતની આઠ ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓની મોટા શહેરોમાં મોકાની જગ્યા પર 50,000 કરોડથી વધારેની મિલકતો છે. ખરા અર્થમાં તો સરકાર આ મિલકત વેચવા માંગતી હોવાથી આ બિલ લાવવામાં આવી રહ્યું છે. બિલનો મુસદ્દો તૈયાર કરાયો છે તેમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે યુનિવર્સિટીની જગ્યા વેચાણ, ભાડે અને ટ્રાન્સફર કરી શકાશે.

નેશનલ એજ્યુકેશન પોલીસી હેઠળ રાજ્યમાં કોમન યુનિવર્સિટી એક્ટ અંગેનું બીલ આગામી વિધાનસભા સત્રમાં રજૂ થશે. અગાઉ ચાર વાર વિધાનસભામાં આવેલા અને મંજૂર ના થનારા આ બિલને લઈ કોંગ્રેસ પક્ષ અને પૂર્વ સિન્ડિકેટ સભ્યો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ગ્રાન્ટેડ યુનિવર્સિટીની સ્વાયત્તતા સમાપ્ત થશે. તો તેની સામે જાગૃત નાગરિકો સરકારને પોતાના વાંધા 12 ઓગસ્ટ સુધી મોકલી આપવા જોઈએ.

ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અત્યારની વ્યવસ્થામાં સેનેટ-સિંડિકેટ સાથે મળી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયો લે છે. પ્રાઇવેટ યુનિ.ઓને મંજૂરી આપી સરકાર ગ્રાન્ટેડ યુનિ.ઓને નબળી પાડી રહી છે. યુનિ.ની જગ્યા વેચાણ, ભાડે અને ટ્રાન્સફર કરી શકાય એવું બિલમાં લખાયું છે. કોઈપણ લોકોને જમીન વેચી શકવાનો ઉલ્લેખ જ દર્શાવે છે કે સરકાર યુનિવર્સિટીની જગ્યાઓ વેચવા માગે છે.

Exit mobile version