Site icon Revoi.in

ભાવનગરમાં દબાણ હટાવ ઝૂંબેશ, મોમીનવાડમાં ગેરકાયદે દબાણો દુર કરાયા

Social Share

ભાવનગરઃ શહેરમાં વર્ષોથી થયેલા ગેરકાયદે દબાણો હટાવવાના મુદ્દે મ્યુનિ. કોર્પોરેશનને રજુઆતો છતા કોઈ કાર્યવાહી કરાતી નહોતી, પણ આખરે મ્યુનિ.ના સત્તાધિશોએ દબાણ હટાવવાની ઝૂંબેશ ઉપાડી છે. જેમાં શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલી મેઘદૂત સોસાયટીમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી તથા મોમીનવાડ વિસ્તારમાં દુકાન, ઓટલાઓ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. મ્યુનિ.કોર્પોરેશનની ઝૂંબેશથી દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘણા રહિશો તો પોતાની રીતે દબાણો દૂર કરવા લાગ્યા છે.

ભાવનગર શહેરમાં કરાયેલા દબાણો વર્ષો જુના છે. અને મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ દબાણો દુર કરવાની કે દબાણકર્તાઓને નોટિસ આપવાની પણ તસ્દી લીધી નહોતી. શહેરના શેરી, ગલી અને સોસાયટીના નાકા પર દીવાલ ચણી દરવાજા મુકવાની પ્રથા વધી રહી છે, જેના કારણે કેટલાક રહિશો હાડમારી વેઠી રહ્યા છે. શહેરના દરેક વિસ્તારમાં આ પ્રકારે  દીવાલ ચણી દરવાજા મુકવામાં આવેલા છે. ત્યારે નાગરિકોની ફરિયાદો બાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ કાર્યવાહી શરૂ કરાઈ છે. જેના ભાગરૂપે સોમવારે બોરતળાવ વિસ્તારમાં ધોબીઘાટ પાસે મેઘદુત સોસાયટીમાં દીવાલ ચણી લોખંડનો ગેટ  દુર કરીને ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. મ્યુનિ. દ્વારા અગાઉ પણ મ્યુનિની માલિકીના પ્લોટ્સ પર થયેલા દબાણો દુર કરવામાં આવ્યા હતા. મ્યુનિ.ની માલિકીના પ્લોટ્સ પર કાચા-પાકા મકાનો પણ બનાવી દેવામાં આવ્યા હતા. તે દુર કરવામાં આવ્યા હતા.

ભાવનગર મ્યુનિના સૂત્રોએ જણાવ્યું હતું કે,  શહેરના બોરતળાવ વિસ્તારમાં મળેલી અરજીઓના અનુસંધાને સોસાયટીનો લોખંડનો ગેઈટ દૂર કર્યો હતો આ ઉપરાંત  મોમીનવાડ વિસ્તારમાંથી દુકાન, ઓટલાઓ, દરવાજાઓ, કાચા-પાકા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.