Site icon Revoi.in

કેનેડાના PM ટ્રૂડો વિચાર્યા વિના ભારત ઉપર આરોપ લગાવીને ફસાવી ગયાઃ અમેરિકાના પૂર્વ અધિકારી

Social Share

નવી દિલ્હીઃ કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારતને દોષી ઠેરવતા મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. જસ્ટિન ટ્રુડો પોતાના આરોપોના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી, જ્યારે કેનેડાના આરોપો પર ભારતે જે રીતે કડક વલણ અપનાવ્યું છે તેનાથી ખુદ કેનેડાના વડાપ્રધાન પણ મુશ્કેલીમાં મુકાયાં છે.  હવે કેનેડાને સહયોગી ‘ફાઈવ આઈઝ’ (અમેરિકા, બ્રિટન, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) તરફથી પણ સમર્થન મળી રહ્યું નથી. હવે અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોનના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીએ જસ્ટિન ટ્રુડોની આકરી ટીકા કરી છે અને આરોપ લગાવ્યો છે કે ટ્રુડો વિચાર્યા વગર ભારત પર દોષારોપણ કરી રહ્યા છે અને તેઓ તેમાં ફસાઈ ગયા છે.

પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી અને અમેરિકન એન્ટરપ્રાઇઝિસ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ ફેલો, માઇકલ રુબિને ઇન્ડિયા કેનેડા વિવાદ પર કહ્યું, ‘મને નથી લાગતું કે કેનેડાના સહયોગીઓ જસ્ટિન ટ્રુડોની થિયરી સાથે સહમત હોય. જ્યારે જમાલ ખાશોગીની ઇસ્તંબુલમાં હત્યા કરવામાં આવી હતી, ત્યારે તુર્કીએ ઘણા મહત્વપૂર્ણ પુરાવા આપ્યા હતા, જેના કારણે સમગ્ર વિશ્વમાં સાઉદી અરેબિયાની ટીકા થઈ હતી. પરંતુ જસ્ટિન ટ્રુડો વિચાર્યા વગર આક્ષેપો કરી રહ્યા છે અને તેઓ અત્યાર સુધી કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી. જ્યારે ટ્રુડો કહે છે કે, તેમના પર વિશ્વાસ કરો, ત્યારે કોઈ તેમના પર વિશ્વાસ કરતું નથી. આ બધું ચૂંટણી પ્રચાર માટે થઈ રહ્યું છે, જેમાં ટ્રુડોની હાર થતી જોવા મળી રહી છે. આ જ કારણ છે કે અમેરિકા સહિતના ફાઇવ આઇઝ દેશો આ મુદ્દે કેનેડાને સમર્થન નથી આપી રહ્યા.

માઈકલ રુબિને કહ્યું હતું કે ‘હરદીપ સિંહ નિજ્જર યોગ્ય માણસ નહોતો. તેની સામે અનેક ગુના નોંધાયેલા હતા. જેમ ઓસામા બિન લાદેન કન્સ્ટ્રક્શન એન્જિનિયર હતો તેમ હરદીપ સિંહ નિજ્જર પણ પ્લમ્બર હતો. સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને તેમના નિવેદનમાં કહ્યું કે અમે આંતરરાષ્ટ્રીય દમનની વિરુદ્ધ છીએ પરંતુ જો તેઓ આમ કહેતા હોય તો અમે દંભી છીએ કારણ કે આ આંતરરાષ્ટ્રીય જુલમ નથી પરંતુ આંતરરાષ્ટ્રીય આતંકવાદ છે. અમેરિકાએ કાસિમ સુલેમાની કે ઓસામા બિન લાદેન સાથે શું કર્યું અને ભારતે જે કર્યું છે તેમાં અંતર નથી.

અમેરિકન સંરક્ષણ નિષ્ણાતે કહ્યું કે, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ મોટી ભૂલ કરી છે. તેમણે જે રીતે ભારત પર આરોપ લગાવ્યા છે, હવે તે તેને પાછો પણ લઈ શકશે નહીં કારણ કે જો તે પોતાની વાત પર અડગ રહેશે તો તેમણે પુરાવા રજૂ કરવા પડશે અને જો તે સાબિત થશે કે નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ છે તો પણ કેનેડાએ જવાબ આપવો પડશે કે તેમણે એક આતંકવાદીને કેમ આશ્રય આપ્યો.