નવી દિલ્હી, 26 મે 2026: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ ભારત-કેનેડા આર્થિક સંબંધોના સંપૂર્ણ પુનરુત્થાન તરફ એક ઐતિહાસિક પગલા તરીકે, 100થી વધુ કંપનીઓના ઉદ્યોગ અગ્રણીઓ ધરાવતા કેનેડામાં અત્યાર સુધીના સૌથી મોટા ભારતીય વ્યાપારી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા ઓટાવા, કેનેડા ખાતે પહોંચ્યા હતા. કેનેડાની આ ત્રણ દિવસીય મુલાકાત, જે મે 25ના રોજ ઓટાવા અને મે 26–27 દરમિયાન ટોરોન્ટોને આવરી લે છે, તેનો ઉદ્દેશ્ય ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય વ્યાપાર અને આર્થિક સંબંધોને આગળ વધારવાનો છે, જેમાં ખાસ કરીને ભારત- કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) માટે ચાલી રહેલી વાટાઘાટોને ઝડપી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ઓટાવામાં પહેલા દિવસની મુલાકાત દરમિયાન, શ્રી ગોયલે વ્યાપાર, રોકાણ, ટેકનોલોજી, કૃષિ અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે કેનેડાના વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકોની શ્રેણી યોજી હતી.
કેનેડાના પ્રધાનમંત્રી શ્રી માર્ક કાર્નીની મુલાકાત દરમિયાન શ્રી ગોયલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી કાર્નીની તાજેતરની ભારત મુલાકાતને પ્રેમપૂર્વક યાદ કરી હતી, જેણે ભારત-કેનેડા ભાગીદારીને નવો વેગ અને નવો આત્મવિશ્વાસ આપ્યો હતો. બંને પક્ષોએ બહુવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા અંગે ભવિષ્યલક્ષી ચર્ચાઓ કરી હતી અને ભારત-કેનેડા CEPAના વહેલા નિષ્કર્ષ તરફ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રી કાર્નીએ પુષ્ટિ કરી હતી કે ભારત સાથે સૂચિત મુક્ત વ્યાપાર કરાર એક ગેમ ચેન્જર સાબિત થશે, જે એક વિશાળ નવું બજાર ખોલશે. બંને પક્ષોએ સંતુલિત, વ્યાપારી રીતે અર્થપૂર્ણ અને મહત્વાકાંક્ષી વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને તેમની સંબંધિત ટીમોને એક એવા કરાર તરફ કામ કરવા નિર્દેશ આપ્યો હતો જે આર્થિક ભાગીદારીને મજબૂત કરે અને બંને દેશોના વ્યવસાયો અને નાગરિકોને નક્કર લાભો પહોંચાડે.
શ્રી ગોયલે ભારત-કેનેડા CEPA વાટાઘાટોને આગળ વધારવા અંગે કેનેડાના આંતરરાષ્ટ્રીય વ્યાપાર મંત્રી શ્રી મનિન્દર સિદ્ધુ સાથે પણ રચનાત્મક દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. બંને મંત્રીઓએ આજદિન સુધી પૂર્ણ થયેલી વાટાઘાટોના પરિણામોની સમીક્ષા કરી હતી અને વ્યાપાર તથા રોકાણના પ્રવાહને વિસ્તારવા માટે ભવિષ્યની તકોની ઓળખ કરી હતી. બંને પક્ષોએ 2026ના અંત સુધીમાં સંતુલિત અને પરસ્પર ફાયદાકારક કરાર પૂર્ણ કરવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. પરિકલ્પિત CEPA દ્વારા આર્થિક ભાગીદારી મજબૂત થવાની અને બંને દેશોના વ્યવસાયો અને નાગરિકોને નક્કર લાભો મળવાની અપેક્ષા છે, જે દ્વિપક્ષીય આર્થિક સંબંધોને તેની સંપૂર્ણ ક્ષમતા સુધી ગાઢ બનાવશે.
કેનેડાના કૃષિ અને એગ્રી-ફૂડ મંત્રી શ્રી હીથ મેકડોનાલ્ડ સાથેની ફળદાયી બેઠકમાં ખાદ્ય સુરક્ષા, ટકાઉપણું અને એગ્રી-કનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા પર ચર્ચાઓ કેન્દ્રિત હતી. બંને પક્ષોએ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં સહયોગ માટેની અર્થપૂર્ણ તકો શોધી કાઢી હતી. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે આવો સહયોગ ભારતીય ખેડૂતો અને ઉત્પાદકોની આવક વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે, જ્યારે બંને દેશો વચ્ચે વધુ કૃષિ સંકલનમાં યોગદાન આપશે.
શ્રી ગોયલે કેનેડાના વિદેશ મંત્રી સુશ્રી અનિતા આનંદ સાથે પણ વ્યાપક ચર્ચા કરી હતી અને ભારત- કેનેડા વ્યૂહાત્મક ભાગીદારી માટે વ્યાપાર, રોકાણ અને ટેકનોલોજી જોડાણોના મહત્વ પર ભાર મૂક્યો હતો. મંત્રીએ ભારતના વિસ્તરી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી, લોજિસ્ટિક્સ, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્ઝ્યુમર સેક્ટર્સને મોટા સહયોગ અને લાંબા ગાળાના કેનેડિયન રોકાણો માટે નોંધપાત્ર તકો પ્રદાન કરતા હોવાનું રેખાંકિત કર્યું હતું. બંને પક્ષોએ આર્થિક અને વ્યૂહાત્મક આયામોમાં દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

